1 કે 2 નહીં પરંતુ 17 ગોળીઓ! સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાનો CCTV વીડિયો સામે આવ્યો

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. એટલું જ નહીં સુખદેવ સિંહની હત્યાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાનો સીસીટીવી વિડીયો ચોંકાવનારો છે
  • લોરેન્સ બિશ્નોઈ ગેંગે હત્યાની જવાબદારી લીધી, જાણો મર્ડરનો ઘટનાક્રમ

જયપુર: શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સ્થાપક સુખદેવ સિંહ ગોગામેડીની 5 ડિસેમ્બર મંગળવારે બપોરે 1.30 વાગ્યે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોગામેડી તેમના બે સુરક્ષા કર્મચારીઓ સાથે જયપુરના શ્યામનગર સ્થિત તેમની ઓફિસમાં હાજર હતા. બપોરે 1:30 વાગ્યાના સુમારે 3 વ્યક્તિઓ ગોગામેડીની ઓફિસે પહોંચ્યા હતા. લગભગ 10 મિનિટ સુધી વાત કર્યા બાદ ત્રણેય વ્યક્તિઓએ અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો. કુલ 17 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં 4 ગોળી સુખદેવ સિંહ ગોગામેડીને વાગી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ગોગામેડી હત્યાનો ઘટનાક્રમ

  • બપોરે 1:05 કલાકે 3 વ્યક્તિઓ સુખદેવ સિંહ ગોગામેડીની ઓફિસે પહોંચ્યા. ત્રણેય યુવકોએ લગભગ 10 મિનિટ સુધી ગોગામેડી સાથે વાત કરી હતી.
  • બપોરે 1:21 વાગ્યે અચાનક સુખદેવ સિંહ ગોગામેડી પર ફાયરિંગ કરવામાં આવ્યું. સીસીટીવી ફૂટેજમાં તે સ્પષ્ટ દેખાય છે. ગોગામેડી ઓફિસમાં વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક બે હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો.
  • તાબડતોડ ફાયરિંગ દરમિયાન પ્રથમ ગોળી સુખદેવ સિંહ ગોગામેડીની છાતીમાં વાગી હતી. આ પછી તરત જ એક સાથે અનેક ગોળીઓ ચલાવવામાં આવી. ગોગામેડી જમીન પર પટકાયા પછી પણ તેમની નજીક આવીને હુમલાખોરે માથા પર નજીકથી ગોળી મારી હતી.
  • ઘટના વખતે સુખદેવ સિંહ ગોગામેડીનો એક ગનમેન એ જ રૂમમાં હાજર હતો. હુમલાખોરે ગાર્ડને પણ ગોળી મારી હતી. જમીન પર પડ્યા બાદ તેના પર ફરીથી ફાયરિંગ કર્યું હતું.
  • સુખદેવ સિંહ ગોગામેડીની ઓફિસમાં આવેલા ત્રણ વ્યક્તિઓમાં શાહપુરાના રહેવાસી નવીન સિંહ શેખાવતનો સમાવેશ થાય છે. જ્યારે બે હુમલાખોરોએ ગોગામેડી પર ગોળીબાર કર્યો ત્યારે તેમની સાથે રહેલા નવીન સિંહ શેખાવતે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને હુમલાખોરોએ નવીન પર પણ ગોળીબાર કર્યો હતો.
  • જે નવીન સિંહ શેખાવત સાથે બંને હુમલાખોરો આવ્યા હતા એ જ હુમલાખોરોએ નવીન સિંહ પર ગોળીબાર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે નવીન સિંહ શેખાવત સુખદેવ સિંહ ગોગામેડીનો પરિચય હતો. હુમલાખોરો તેની સાથે જ આવ્યા હતા.
  • હત્યા કરીને નાસી છૂટતી વખતે બંને હુમલાખોરોએ સ્કૂટર પર સવાર વ્યક્તિને ગોળી મારીને સ્કૂટર આંચકી લીધું હતું અને સ્કૂટર લઈને ફરાર થઈ ગયા હતા. બંને હુમલાખોરો કાળા રંગની સ્કોર્પિયોમાં આવ્યા હતા. સ્કોર્પિયો નવીન સિંહ શેખાવત લાવ્યા હતા તેવું મીડિયા રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગનું કનેક્શન નીકળ્યું

સુખદેવ સિંહની હત્યાની જવાબદારી લોરેન્સ વિશ્નોઈ ગેંગે લીધી છે. લોરેન્સ વિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા રોહિત ગોદારાએ ફેસબુક દ્વારા હત્યાની જવાબદારી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત ગોદારા લોરેન્સ બિશ્નોઈ ગેંગનો એક ગુંડો છે, જે બિકાનેર જિલ્લાના લુણકરણસરનો રહેવાસી છે. ગેંગસ્ટર રાજુ ઠેહાટની હત્યામાં પણ તેનું નામ સામે આવ્યું હતું. તે 2010થી ગુનાની દુનિયામાં સક્રિય છે. કહેવાય છે કે વર્ષ 2022માં રોહિત દિલ્હીથી નકલી પાસપોર્ટ બનાવીને દુબઈ ભાગી ગયો હતો. ત્યાંથી તે લોરેન્સની ગેંગનું સંચાલન કરતો હતો.