Kerala University Stampede: મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન નાસભાગમાં 4ના મોત, 60 ઘાયલ

આ ઈવેન્ટ ઓપન એર સ્ટેડિયમમાં ચાલી રહી હતી અને નિખિતા ગાંધીનું ગીત શરૂ થયા પછી ભીડ વધી ગઈ હતી

Courtesy: Twitter

Share:

Kerala University Stampede: કેરળ ખાતે આવેલી કોચીન યુનિવર્સિટીમાં શનિવારે ટેક ફેસ્ટ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં 4 વિદ્યાર્થીઓના મોત થયા છે જ્યારે 60થી વધારેને ઈજાઓ પહોંચી છે. કેરળની યુનિવર્સિટીમાં નાસભાગ (Kerala University Stampede)ના કારણે 2 વિદ્યાર્થીઓ અને 2 વિદ્યાર્થીનીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

કોચી સ્થિત CUSAT યુનિવર્સિટીમાં શનિવારે મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન નાસભાગ મચી હતી. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે, આ દુર્ઘટના નિખિતા ગાંધીના એક સંગીત સમારોહ દરમિયાન થઈ હતી. આ કાર્યક્રમ કેમ્પસના ઓપન-એર ઓડિટોરિયમમાં ચાલી રહ્યો હતો અને તે દરમિયાન લગભગ 2000 વિદ્યાર્થીઓ ત્યાં એકઠા થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર કોચી સ્થિત CUSAT યુનિવર્સિટી કેમ્પસના ઓપન-એર ઓડિટોરિયમમાં મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ભાગદોડ મચતા 4 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 64થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે જેમને સારવાર માટે કલામસેરી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે.


Kerala University Stampedeનું કારણ

આ ઈવેન્ટ ઓપન એર સ્ટેડિયમમાં ચાલી રહી હતી અને નિખિતા ગાંધીનું ગીત શરૂ થયા પછી ભીડ વધી ગઈ હતી. વિદ્યાર્થીઓ સિવાય કેટલાક બહારના લોકો પણ કેમ્પસમાં આવ્યા હતા. આ દરમિયાન વરસાદ શરૂ થયો એટલે લોકો નજીકના ઓડિટોરિયમમાં પહોંચ્યા હતા અને ત્યાં ભીડ એકઠી થઈ ગઈ અને નાસભાગ મચી ગઈ હતી. 

નગર નિગમના કાઉન્સિલર પ્રમોદના જણાવ્યાનુસાર યુનિવર્સિટીમાં એક જ ગેટથી એન્ટ્રી અને એક્ઝિટ હોવાને લીધે નાસભાગ મચી ગઈ હતી. લોકો એક જ ગેટથી અંદર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે ઊભા પગથિયાથી એન્ટ્રી કરનારા વિદ્યાર્થીઓ પડી જતાં ગેટ પર ભારે ભીડ જામી ગઈ હતી અને તેઓ કચડાઈ ગયા હતા.

કેરળની યુનિવર્સિટીમાં નાસભાગ (Kerala University Stampede)માં 15 વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા અને 3ને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનામાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના મૃતદેહ કલામસેરી મેડિકલ કોલેજમાં રાખવામાં આવ્યા છે. ઓછામાં ઓછા 46 વિદ્યાર્થીઓને કલામસેરીની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


મૃતકોની ઓળખ બાકી

એર્નાકુલમ જિલ્લા કલેક્ટર એનએસકે ઉન્મેશે જણાવ્યું હતું કે, ઘાયલોમાં બેની હાલત ગંભીર છે. ઘટનાને જોતા અમે શહેરની તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દીધી છે. હાલ મૃતકોની ઓળખ થઈ નથી. પોલીસના જણાવ્યા અનુસાર યુનિવર્સિટીની અંદરના ઓપન-એર ઓડિટોરિયમમાં નાસભાગ મચી ગઈ હતી. આ કાર્યક્રમમાં અન્ય કોલેજોના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે પાછળના વિદ્યાર્થીઓ આગળની તરફ દોડવા લાગ્યા અને નાસભાગ મચી હતી.