કચ્છના રણોત્સવની શોભામાં અભિવૃદ્ધીઃ CMના હસ્તે 'લાઈટ એન્ડ સાઉન્ડ શો'નો શુભારંભ

દર વર્ષે સફેદ રણમાં રણ ઉત્સવ દરમિયાન આવેલા પ્રવાસીઓને વધુ આકર્ષણ મળી રહે તથા નાઈટ ટુરિઝમને પ્રાધાન્ય મળી રહે તેને ધ્યાને લઈને ડેકોરેટીવ/ઇનોવેટીવ લાઈટીંગ તથા લાઈટ અને સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે

Share:

હાઈલાઇટ્સ

  • આ 18 મિનિટની અવધિનો લાઈટ અને સાઉન્ડ શો કચ્છના ઈતિહાસ ઉપર રણ અને ભૂમિની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે
  • આ શો કાયમી ધોરણે રાતના સમયે બે વાર બતાવવામાં આવશે જે એકસાથે 250 માણસો બેસીને નિહાળી શકાશે.

કચ્છનો રણોત્સવ માત્ર ગુજરાત કે ભારત નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. કચ્છના સફેદ રણમાં ઉજવાતા અદભુત રણોત્સવને માણવા માટે દેશ-વિદેશમાં લાખો પ્રવાસીઓ આવે છે. ત્યારે હવે ગુજરાતના ગૌરવ સમાન રણોત્સવની શોભામાં અભિવૃદ્ધી થઈ છે.

Light And Sound Show
Light And Sound Show

આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છના રણોત્સવમાં આકર્ષણરૂપ લાઈટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કરાવ્યો છે. આ લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં મુખ્યમંત્રી તેમજ તેમની સાથે ઉપસ્થિત મહાનુભાવોએ મારી ભૂમિ-કચ્છની ભૂમિ-રણની ભૂમિ-યદ્ધની ભૂમિ થીમ પર તૈયાર થયેલા શોમાં સફેદ રણ, હડપ્પીય સભ્યતાનું ધોળાવીરા, લખપતમાં આવેલી બૌદ્ધ ધર્મની ગુફાઓ, કોટેશ્વર મહાદેવ અને નારાયણ સરોવર, કચ્છના કુરુક્ષેત્ર સમું ઝરાનું યુદ્ધ, કચ્છની વિરાંગનાઓએ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તૂટેલા એર સ્ટ્રીપને ફરી ઉભો કર્યો તે ઘટના, રક્ષક વન, કચ્છની હસ્તકલા, કસબ અને કારીગરી, કચ્છની શોર્ય અને વીરતા, 26 જાન્યુઆરી 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ અને તેમની સ્મૃતિમાં ભૂજમાં બનેલા સ્મૃતિ વન, વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્ક વગેરે આકર્ષિત રીતે રજૂ થયેલા કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિના પાસાઓ નિહાળ્યા હતા.

Light And Sound Show
Light And Sound Show

કચ્છમાં નયનરમ્ય પર્યટન સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામેલા કચ્છના ધોરડો સફેદ રણમાં પ્રવાસીઓ માટે નવું આકર્ષણ શરૂ કરવામાં આવ્યું છે. સફેદ રણમાં આવેલા વૉચ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શોથી એક મનમોહક નજારો પેદા થશે. પ્રવાસીઓ આ લાઈટ અને સાઉન્ડ શોના માધ્યમથી કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત બની ભવ્યતાનો સાક્ષાત્કાર કરી શકશે. કચ્છના આંગણે યોજાતો રણોત્સવ આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ધરાવે છે.

Light And Sound Show
Light And Sound Show

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના પ્રધામંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સફેદ રણમાં રણોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ રણોત્સવથી આ રણ વિસ્તાર તેમજ સમગ્ર કચ્છ આગવી ઓળખ ઉભી કરી આજે વિશ્વ સ્તરે ઉભરી આવ્યું છે. કચ્છનું સફેદ રણ સહિતના પ્રવાસન સ્થળોથી દેશ વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે. ત્યારે સફેદ રણમાં આજથી શરૂ થઈ રહેલા લાઈટ એન્ડ સાઉન્ડ શો અહીં આવતા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

Light And Sound Show
Light And Sound Show

વોચ ટાવર પર રજૂ થતા લાઈટ એન્ડ સાઉન્ડ શોથી પ્રવાસીઓ કચ્છના ભવ્ય ઇતિહાસ અને ગરીમામયી સંસ્કૃતિના સાક્ષી બનશે. આ લાઈટ એન્ડ સાઉન્ડ શો 7.29 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. દર વર્ષે સફેદ રણમાં રણ ઉત્સવ દરમિયાન આવેલા પ્રવાસીઓને વધુ આકર્ષણ મળી રહે તથા નાઈટ ટુરિઝમને પ્રાધાન્ય મળી રહે તેને ધ્યાને લઈને ડેકોરેટીવ/ઇનોવેટીવ લાઈટીંગ તથા લાઈટ અને સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે. આ 18 મિનિટની અવધિનો લાઈટ અને સાઉન્ડ શો કચ્છના ઈતિહાસ ઉપર રણ અને ભૂમિની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. આ શો કાયમી ધોરણે રાતના સમયે બે વાર બતાવવામાં આવશે જે એકસાથે 250 માણસો બેસીને નિહાળી શકાશે.

રણોત્સવમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોના અનાવરણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 
 

Tags :