એક જ દિવસમાં 78 સાંસદો આખા સત્ર માટે સસ્પેન્ડઃ 33 લોકસભા અને 45 રાજ્યસભાના સાંસદો પર કાર્યવાહી!

આ પહેલાં 14 ડિસેમ્બરે 13 સાંસદને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • સંસદમાં સુત્રોચ્ચા કરવા અને પોસ્ટર્સ લાવવા એ યોગ્ય નથીઃ ઓમ બિરલા

આજે (18 ડિસેમ્બર) સંસદના શિયાળુ સત્રનો 11મો દિવસ છે. સંસદના બંને ગૃહમાંથી આજે 78 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા. વાસ્તવમાં સંસદમાં સુરક્ષા ચૂકને લઈને સતત ચોથા દિવસે લોકસભામાં હોબાળો થયો હતો. સ્પીકર ઓમ બિરલાએ હોબાળો કરનારા લોકસભાના 33 અને રાજ્યસભાના 45 સાંસદને સસ્પેન્ડ કરી દીધા. આમાં નેતા અધીર રંજન ચૌધરી, કોંગ્રેસના 11 સાંસદ, તૃણમૂલ કોંગ્રેસના 9, ડીએમકેના 9 અને અન્ય પક્ષોના 4 સાંસદ સામેલ છે.


આ પછી રાજ્યસભામાં પણ હોબાળો થયો હતો. જેના કારણે અધ્યક્ષ જગદીપ ધનખડે વિપક્ષના 45 સાંસદોને આખા સત્ર (22 ડિસેમ્બર સુધી) માટે સસ્પેન્ડ કરી દીધા.

આ પહેલાં 14 ડિસેમ્બરે 13 સાંસદને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અત્યારસુધીમાં કુલ 47 લોકસભા સાંસદને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ'બ્રાયનને પણ 14 ડિસેમ્બરે સસ્પેન્ડ કરાયા છે.

સંસદમાં સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ વિપક્ષનો ગુસ્સો ભડક્યો છે. અધીર રંજન ચોધરીએ કહ્યું કે, સરકારનું કામ છે સદન ચલાવવાનું પરંતુ અમને સસ્પેન્ડ કરીને અમારો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. તો કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોએ કહ્યું કે, સરકાર અમારો અવાજ દબાવવા માંગે છે. તેમણે કહ્યું કે, સરકાર ગૃહમંત્રી અમિત શાહને બચાવવા ઈચ્છે છે. અધીર રંજન ચોધરીએ કહ્યું કે, અમે પહેલા સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદનું સસ્પેન્સન ખતમ કરવાની માંગ કરી રહ્યા હતા.

સદનમાં સુત્રોચ્ચાર અને પોસ્ટર્સ લાવવા યોગ્ય નથીઃ સ્પીકર

સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, સંસદની સુરક્ષામાં ચૂક મામલે ઉચ્ચસ્તરીય તપાસ ચાલુ છે. એક તપાસ સમીતિની પણ રચના કરવામાં આવી છે. પહેલા પણ જ્યારે આ પ્રકારની ઘટનાઓ ઘટી તો પૂર્વ સ્પિકરો દ્વારા જ તપાસ પ્રક્રિયાઓ આગળ વધી. એ દુર્ભાગ્યપૂર્ણ છે કે, આ ઘટનાને લઈને રાજનીતિ થઈ રહી છે. સદનમાં લોકતાંત્રિક વ્યવસ્થા અંતર્ગત જ ચર્ચા થવી જોઈએ.