Looteri Dulhan: 'વોશરુમ જઈને આવુ' , કહીને લૂંટેરી દુલ્હન છૂમંતર થઈ..નવ પરિણીત ભરાયો

આજકાલ લૂંટરી દુલ્હન દ્વારા લોકો સાથે છેતરપિંડી થવી એ સામાન્ય બની ગયું છે. આખા દેશમાં આવું એક નેટવર્ક ફેલાયું છે.

Share:

હાઈલાઇટ્સ

  • લૂંટેરી દુલ્હન ટોયલેટ જવાનું કહી ફરાર થઈ ગઈ
  • દોઢ લાખ રુપિયામાં લગ્ન કરવા માટે સહમતિ બની હતી
  • યુવકે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં કરી ફરિયાદ

ચંદોલીઃ ઉત્તર પ્રદેશના ચંદોલીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકને લગ્ન કરવાનું ભારે પડી ગયું હતું. યુવક બરેલીથી લગ્ન કરવા માટે અહીં પહોંચ્યો હતો અને પછી એનો ખેલ પડી ગયો હતો. દુલ્હન ટોયલેટ જવાનું કહીને ત્યાં રફુચક્કર થઈ ગઈ હતી. આ વાત સામે આવતા લોકોએ શોધખોળ હાથ ધરી હતી. જો કે, હાથમાં આવી નહોતી. આખરે વરરાજા અને તેના પરિવારના લોકો ચંદોલી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને આ મામલે મદદ કરે એવી અપીલ કરી હતી. પીડિત વરરાજાએ લેખિતમાં ફરિયાદ આપતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. 

લગ્નની ખરીદી કરી 
પીડિત યુવકે પોલીસને કરેલી ફરિયાદમાં આ આરોપ કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બરેલીમાં રહેતા રાજવીર નામના યુવકે સંદીપ નામના તેના એક પરિચિતે ચંદોલીમાં આ લગ્નની વાત કરાવી હતી. આ લગ્ન માટે સંદીપે રાજવીર અને તેના પરિવાર પાસેથી લગભગ દોઢ લાખ રુપિયા પણ લીધા હતા. એટલે વરરાજા તેના પરિવાર સાથે ગઈ 19 ડિસેમ્બરે ચંદોલી પહોંચ્યો હતો. અહીં તેને મુલાકાત પૂજા નામની યુવતી સાથે કરાવવામાં આવી. 

લૂંટેરી દુલ્હન ફરાર 
બંને વચ્ચે જ્યારે સહમતિ થઈ ત્યારે તેઓના લગ્ન માટે જરુરી ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવી. યુવતી માટે રુપિયા 20 હજારનો સામાન પણ ખરીદવામાં આવ્યો. પછી 20 ડિસેમ્બરે મંદિરમાં બંનેના લગ્ન થતા વરરાજા રાજીના રેડ થઈ ગયા હતા. એ પછી દુલ્હન પૂજા ટોયલેટનું બહાનું કાઢીને ગઈ અને પાછી આવી જ નહીં. લાંબા સમય સુધી તે દેખાઈ નહીં અને તેની શોધખોળ કરવામાં આવી, પણ તે મળી નહીં. પછી આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.