Election Results: રાજસ્થાન, MP, તેલંગાણા અને છત્તીસગઢમાં મતગણતરી શરૂ, કોણ છે આગળ?

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવશે. રાજસ્થાન અને છત્તીસગઢમાં હાલમાં કોંગ્રેસની સત્તા છે. ભાજપ પાસે મધ્યપ્રદેશ છે. આ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. જ્યારે કે. ચંદ્રશેખર રાવ (KCR)ની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) તેલંગાણામાં 'હેટ્રિક' ફટકારવા માંગે છે.

Share:

હાઈલાઇટ્સ

  • મધ્યપ્રદેશના ટ્રેન્ડમાં ભાજપ આગળ, કોંગ્રેસ સાથે 'કાંટે કી ટક્કર'
  • રાજસ્થાનમાં કોંગ્રેસ આવશે કે ભાજપ, બપોરે પિક્ચર સ્પષ્ટ થશે
  • છત્તીસગઢમાં કોંગ્રેસ ફરીથી સત્તામાં આવવાનો દાવો કરી રહી છે
  • ચંદ્રશેખર રાવ (KCR) તેલંગાણામાં જીતની 'હેટ્રિક' ફટકારશે?

નેશનલ ડેસ્ક: મધ્યપ્રદેશની 230 બેઠક, છત્તીસગઢની 90 બેઠક, તેલંગાણાની 119 બેઠક અને રાજસ્થાનની 199 બેઠક માટે રવિવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં એક વિધાનસભા બેઠકની ચૂંટણી ઉમેદવારના મૃત્યુને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. મોટાભાગના એક્ઝિટ પોલ મધ્યપ્રદેશમાં ભાજપ આગળ દર્શાવે છે. રાજસ્થાનમાં ગાઢ હરીફાઈની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેલંગાણા અને છત્તીસગઢમાં કોંગ્રેસને લીડ મળવાની આશા છે.

ક્યાં કોની સત્તા છે?

મહત્વનું છે કે, આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા આ રાજ્યોના ચૂંટણી પરિણામોને '2024ની સેમી ફાઈનલ' કહેવામાં આવી રહ્યા છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં હાલમાં કોંગ્રેસની જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સત્તા છે. આ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. કે. ચંદ્રશેખર રાવ (KCR)ની આગેવાનીમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) તેલંગાણામાં 'હેટ્રિક' ફટકારવા માંગે છે. વિવિધ એક્ઝિટ પોલે પોતાના અંદાજો આપ્યા છે. એક્ઝિટ પોલ કેટલા સચોટ સાબિત થશે તેનું પિક્ચર બપોર સુધીમાં લગભગ સ્પષ્ટ થઈ જશે.

રાજસ્થાન-MPમાં બમ્પર જીતનો ભાજપનો દાવો

ચૂંટણી પરિણામો પહેલા ભાજપ બમ્પર જીતનો દાવો કરી રહી છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ગ્વાલિયરમાં કહ્યું, 'આ લોકશાહીનો મહાન તહેવાર છે અને આ તહેવારમાં જનભાગીદારી પણ વધી છે... મતદાન ખૂબ જ થયું છે... ભાજપની સરકાર બનવા જઈ રહી છે.. 125-150 બેઠક જીતીશું.' તે જ સમયે, ભાજપના નેતા સતીશ પુનિયાએ જયપુરમાં કહ્યું, 'ભાજપ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. મને પૂરો વિશ્વાસ છે કે ભાજપ 125થી વધુ બેઠકો સાથે સરકાર બનાવશે.'

ચાર રાજ્યોમાં શું સ્થિતિ છે?

તમને જણાવી દઈએ કે, હાલ રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. જ્યારે તેલંગાણામાં BRS જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપ સત્તામાં છે. આ વખતે એક્ઝિટ પોલે વધુ મૂંઝવણ વધારી છે. એવું માનવામાં આવે છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થઈ શકે છે.

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ જેવા રાજકીય દિગ્ગજો સહિત 2533 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યની 230 બેઠકોમાંથી 47 અનુસૂચિત જનજાતિ અને 35 અનુસૂચિત જાતિ માટે અનામત છે. મુખ્યમંત્રી ચૌહાણ (બુધની સીટ પરથી) અને કમલનાથ (છિંદવાડા) ઉપરાંત ત્રણ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ પટેલ અને ફગ્ગન સિંહ કુલસ્તે પણ વિધાનસભા ચૂંટણી લડ્યા છે. ઈન્દોર-1થી ચૂંટણી લડી રહેલા ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય અને ભાજપના ત્રણ લોકસભા સભ્યો - રાકેશ સિંહ, ગણેશ સિંહ અને રીતિ પાઠકનું ચૂંટણી ભાવિ પણ આજે નક્કી થઈ જશે.

રાજસ્થાન

રાજસ્થાનની 199 વિધાનસભા બેઠકો પર થયેલા મતદાનમાં આ વખતે 1800થી વધુ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. મુખ્ય મુકાબલો સત્તાધારી કોંગ્રેસ અને મુખ્ય વિરોધ પક્ષ ભાજપ વચ્ચે છે. એવો ટ્રેન્ડ રહ્યો છે કે રાજસ્થાનમાં દરેક વિધાનસભાની ચૂંટણીમાં સરકાર બદલાય છે... એક વખત કોંગ્રેસ અને એકવાર ભાજપ. આજે જોવાનું રહેશે કે પરંપરા જળવાય છે કેમ?

તેલંગાણા

તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં 2,290 ઉમેદવારો મેદાનમાં છે. તેમાં શાસક બીઆરએસના વડા ચંદ્રશેખર રાવ, તેમના પુત્ર અને સરકારના મંત્રી કે. ટી. રામારાવ, તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ એ. રેવનાથ રેડ્ડી અને ભાજપના લોકસભા સભ્ય બંડી સંજય કુમાર, ડી. અરવિંદ અને સોયમ બાપુ રાવનો સમાવેશ થાય છે.

છત્તીસગઢ

છત્તીસગઢની મોટાભાગની બેઠકો પર સત્તાધારી કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ વચ્ચે જબરદસ્ત ટક્કર થવાની સંભાવના છે. મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ, નાયબ મુખ્ય પ્રધાન ટીએસ સિંહદેવ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા રમણ સિંહ સહિત કુલ 1,181 ઉમેદવારો નક્કી કરવામાં આવશે. કોંગ્રેસ ફરી સત્તામાં આવવાનો દાવો કરી રહી છે. પાર્ટીને વિશ્વાસ છે કે અહીં ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર બનશે.