Madhya Pradesh: ગ્રામજનો જે પથ્થરની વર્ષોથી પૂજા કરતા હતા, તે ડાઈનોસોરનું ઈંડુ નિકળ્યું!

પટેલપુરામાં આ પથ્થર જેવી વસ્તુઓને ગૌવંશના રક્ષક તરીકે લોકો પૂજવા લાગ્યા.

Share:

હાઈલાઇટ્સ

  • લોકો ભિલ્લડ બાબાના નામે મરઘી અને બકરાની બલી પણ આપવા લાગ્યા
  • હવે નિષ્ણાતો ધાર જિલ્લાને યુનેસ્કો દ્વારા ગ્લોબલ જીઓ પાર્ક તરીકે માન્યતા આપવાનું આયોજન કરી રહ્યા છે

મધ્યપ્રદેશના ધાર જિલ્લાથી એક અજીબો ગરીબ મામલો સામે આવ્યો છે. અહીંયા ધાર જિલ્લાના પાડલ્યા ગામમાં ખોદકામ દરમિયાન લોકોને ગોળાકાર પથ્થર જેવી વસ્તુ મળી આવી હતી. ગ્રામીણો આ વિભિન્ન સ્થાનો પર અલગ-અલગ નામ આપીને પૂજતા રહ્યા છે. આટલું જ નહીં પરંતુ પાડલ્યામાં ભિલ્લડ બાબાનું મંદિર બનાવ્યું અને પટેલપુરામાં પણ લોકો આ પથ્થર જેવી વસ્તુની પૂજા કરવા લાગ્યા હતા. વિશેષજ્ઞોને જ્યારે આ મામલે ખ્યાલ આવ્યો ત્યારે તેમણે સ્થળ પર જઈને તપાસ કરી હતી.

લોકો ભિલ્લડ બાબાના નામે આપવા લાગ્યા બલી!

વાત માત્ર પૂજા સુધી જ સિમિત ના રહી પરંતુ લોકો ભિલ્લડ બાબાના નામે મરઘી અને બકરાની બલી પણ આપવા લાગ્યા. પટેલપુરામાં આ પથ્થર જેવી વસ્તુઓને ગૌવંશના રક્ષક તરીકે લોકો પૂજવા લાગ્યા. પાડલ્યા સિવાય આના આસપાસના ગામો ઘોડા, ટકારી, ઝાબા, અખાડા, જામન્યાપુરાના લોકો પણ આ પથ્થરની પૂજા કરવા લાગ્યા.

આની જાણકારી વિશેષજ્ઞોની સામે આવી

કોઈક રીતે આ માહિતી નિષ્ણાતો સુધી પહોંચી અને તેમને ખબર પડી કે લગભગ 17 વર્ષ પહેલા ડાયનાસોરના ઈંડાના 256 અવશેષ લોકોને મળ્યા હતા. પડલ્યા ગામમાં ડાયનાસોર ફોસિલ પાર્ક બનાવવામાં આવ્યો છે. લોકો ટાઇટેનો-સૌરાન પ્રજાતિના ડાયનાસોરના અવશેષોની પૂજા કરે છે. આ પછી, જ્યારે નિષ્ણાતોએ સ્થળ પર જઈને તેની તપાસ કરી તો તે ડાયનાસોરનું ઈંડુ હોવાનું સત્ય બહાર આવ્યું છે.

બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલેઓ સાયન્સ, લખનૌના નિષ્ણાતો અને મધ્ય પ્રદેશ વન વિભાગના અધિકારીઓ દ્વારા આની તપાસ કરવામાં આવી હતી. બાદમાં ગ્રામજનોને જાણ કરવામાં આવી કે, તમે જેની ભગવાન તરીકે પૂજા કરી રહ્યા છો તે ખરેખર ડાઈનાસોરના ઈંડા છે. હવે નિષ્ણાતો ધાર જિલ્લાને યુનેસ્કો દ્વારા ગ્લોબલ જીઓ પાર્ક તરીકે માન્યતા આપવાનું આયોજન કરી રહ્યા છે. જેથી અવશેષો અને જીઓ-હેરીટેજ સ્થળોને સાચવી શકાય.