સાસુની હત્યા કરીને ફરાર થયેલો શખ્સ 28 વર્ષ બાદ ઝડપાયો, શું છે સમગ્ર મામલો?

જોશી તેના વતનની એક મહિલા સાથે રહેતો હતો જેની સાથે તેણે હત્યા કરીને તમિલનાડુ છોડ્યા બાદ લગ્ન કર્યા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • 1995માં જોશીએ પત્ની, તેના ભાઈ અને સાસુને ચપ્પુ માર્યું હતું
  • પત્ની, ભાઈ બચી ગયો, સાસુનું મોત થતાં મામલો હત્યામાં ફેરવાયો

લગભગ ત્રણ દાયકા પછી, એક 54 વર્ષીય ઓડિશા માણસ કે જે ચેન્નાઈમાં તેની સાસુની હત્યા કરીને કથિત રીતે ફરાર હતો, તેની તમિલનાડુની પોલીસ દ્વારા તેના ગૃહ રાજ્યમાં ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે વી હરિહર પટ્ટા જોશીએ 1995માં પત્ની ઘર છોડીને જતી રહેતા અને છૂટાછેડા માટે અરજી કરતા ઉશ્કેરાઈને તેની પત્ની ઈન્દિરા, તેના ભાઈ કાર્તિક અને માતા રામાને ચાકુ માર્યું હતું. આ જીવલેણ હુમલામાં ભાઈ-બહેન તો બચી ગયા હતા પરંતુ સાસુ રામાએ દમ તોડ્યો હતો. જેથી બનાવ હત્યામાં પરિણમતા હત્યારો જોશી પકડાઈ ન જાય તે ડરથી ભાગી ગયો હતો.

1994માં કર્યા હતા લવમેરેજ
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઓડિશાના ગંજમ જિલ્લાના બરહામપુરનો વતની અને હત્યારો જોશી 1993માં ચેન્નાઈ આવ્યો હતો અને ગિન્ડીમાં એક કંપનીમાં કામ કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર તેને ઈન્દિરા સાથે પ્રેમ થયો અને તેણે 1994માં તેની સાથે લગ્ન કર્યા હતા.

ફોટો લઈને પોલીસ શોધવા નીકળી
વર્ષ 1996 અને 2006 વચ્ચે અનેક પ્રસંગોએ ગંજમની મુલાકાત લેવા છતાં પોલીસ જોશીને શોધી શકી ન હતી. પોલીસે તાજેતરમાં એડમબક્કમ સબ-ઇન્સ્પેક્ટર કન્નન હેઠળ ચાર સભ્યોની વિશેષ ટીમની રચના કરી હતી, જે જોશી 22 વર્ષનો હતો ત્યારે લેવામાં આવેલા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ સાથે ઓડિશા ગયો હતો અને તેની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસ ટીમે જોશીની શોધમાં અનેક સ્થળોની મુલાકાત લઈને બે અઠવાડિયાથી વધુ સમય સુધી ઓડિશામાં પડાવ નાખ્યો હતો. સ્થાનિક પોલીસની મદદથી ચેન્નાઈ પોલીસની ટીમે 28 વર્ષ પછી આખરે જોશીની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે જોશી બેરહામપુરની એક મહિલા સાથે રહેતો હતો જેની સાથે તેણે તમિલનાડુ છોડ્યા બાદ લગ્ન કર્યા હતા. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.