Manipur: રાજ્યની અસ્થિર સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ 5 દિવસ માટે લંબાવાયો ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ

2 લાપતા વિદ્યાર્થીઓના મૃતદેહની તસવીરો વાયરલ થયા બાદ અથડામણના પગલે 26 સપ્ટેમ્બરે ફરી ઈન્ટરનેટ બેન લાગુ કરાયો

Courtesy: Image: Twitter

Share:

 

Manipur: મણિપુર સરકારે રાજ્યની અસ્થિર સ્થિતિને ધ્યાનમાં રાખીને શનિવારના રોજ મોબાઈલ ઈન્ટરનેટ સેવા પરના પ્રતિબંધને વધુ 5 દિવસ માટે એટલે કે, 23 નવેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, અસામાજીક તત્વોને ભ્રામક સંદેશાઓ, ફોટો અને વીડિયો ફેલાવતા અટકાવવા માટે એક નિવારક ઉપાય તરીકે મોબાઈલ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ લંબાવી દેવાયો છે. 

Manipurમાં 3 મેથી ભારેલો અગ્નિ

મણિપુરમાં સૌ પ્રથમ વખત આશરે 200 દિવસ પહેલા મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ લાગુ કરવો પડ્યો હતો. 3 મેના રોજ મણિપુરમાં બિનઆદિવાસી એવા મૈતેઈ અને આદિવાસી કુકી-જો સમુદાયો વચ્ચે જાતિય હિંસા ભડકી ઉઠી હતી. ત્યારથી દર 5 દિવસ બાદ મોબાઈલ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ લંબાવવાની જાહેરાત કરવામાં આવે છે. 

 

મણિપુર (Manipur)ના ગૃહ વિભાગના અધિકારી ટી. રણજીત સિંહે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, ડીજીપીના કહેવા પ્રમાણે સુરક્ષા દળો પર ઘાત લગાવીને હુમલો, લાપતા વ્યક્તિઓ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન, રાજમાર્ગ પર નાકાબંધી, ધરણા-પ્રદર્શન જેવી અસ્થિર કાયદા વ્યવસ્થાની સ્થિતિ સાથે સંબંધીત રિપોર્ટ્સ હજુ પણ મળી રહ્યા છે. 

ઈન્ટરનેટના માધ્યમથી લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન

વધુમાં જણાવ્યું હતું કે, એવી આશંકા છે કે, કેટલાક અસામાજીક તત્વો જનતાની ભાવનાઓ ભડકાવનારી તસવીરો, નફરતભર્યા ભાષણો અને નફરતવાળા વીડિયો સંદેશા પ્રસારિત કરવા માટે મોટા પાયે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે જેની મણિપુરની કાયદા-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે. 

 

તેમણે જણાવ્યું હતું કે, ઉશ્કેરણીજનક સામગ્રી અને ખોટી અફવાઓના પરિણામે જીવનની હાનિ કે સાર્વજનિક, ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવાની અને સાર્વજનિક શાંતિ અને સાંપ્રદાયિક સદ્ભાવને ખલેલ પહોંચાડવાની શક્યતા રહેલી છે અને આવું કન્ટેન્ટ વાયરલ કરવામાં આવે તેવી શક્યતા છે. 

 

ગત સપ્તાહે મણિપુર (Manipur) સરકારે 4 નાગા આદિવાસીઓની વસ્તી ધરાવતા પહાડી જિલ્લા હેડક્વાર્ટર્સમાં મોબાઈલ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો જેને જાતિગત હિંસાની અસર નહોતી પહોંચી. 

આર્થિક નાકાબંધી પાછી ખેંચવાની જાહેરાત

મણિપુર હાઈકોર્ટે ગત 6 નવેમ્બરના રોજ રાજ્ય સરકારને એવા તમામ જિલ્લા હેડક્વાર્ટર્સમાં પરીક્ષણના આધાર પર મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ ફરી શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો. જેના આધાર પર ઉખરૂલ, સેનાપતિ, ચંદેલ અને તામેંગલોંગના જિલ્લા હેડ ક્વાર્ટર્સમાં ઈન્ટરનેટ પ્રતિબંધ હટાવી લેવાયો હતો કારણ કે, તે વિસ્તારો જાતિગત હિંસાથી પ્રભાવિત નહોતા થયા. 

 

તેના પરિણામે 9 નવેમ્બરના રોજ ઓલ નાગા સ્ટુડેન્ટ્સ અસોસિએશન, મણિપુરે રાજમાર્ગો પરની આર્થિક નાકાબંધી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. 

 

મહદઅંશે સ્થિતિ સામાન્ય થયા બાદ 23 સપ્ટેમ્બરે ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ દૂર કરાયો હતો પણ 2 લાપતા વિદ્યાર્થીઓના મૃતદેહની તસવીરો વાયરલ થયા બાદ અનેક વિદ્યાર્થીઓએ સુરક્ષા દળો સાથે સંઘર્ષ કર્યો હતો જેથી ફરી 26 સપ્ટેમ્બરે ઈન્ટરનેટ બેન લાગુ કરવો પડ્યો હતો.