મહિલાઓ માટે બાધારૂપ નથી માસિક ધર્મઃ પેઈડ લિવ પોલિસી મામલે સ્મૃતિ ઈરાનીનો જવાબ!

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, માસિક ધર્મ એ કોઈ સમસ્યા નથી. ત્યારે પેઈડ લીવ માટે પણ કોઈ વિશેષ નીતિની જરૂર ન હોવી જોઈએ.

Share:

હાઈલાઇટ્સ

  • મનોજ કુમારે દેશમાં માસિક ધર્મ સ્વચ્છતા નીતિ પર સવાલ પૂછ્યો
  • પેઈડ લીવ માટે વિશેષ નીતિની જરૂર ન હોવી જોઈએ: સ્મૃતિ ઈરાની

દેશમાં એ વાત પર સતત ચર્ચાઓ થતી રહી છે કે શું વર્કીંગ વુમન્સ માટે માસિક ધર્મના દિવસોમાં પેઈડ લીવ મળવી જોઈએ? ત્યારે આ સવાલ જ્યારે સંસદમાં ઉઠ્યો તો, આ મામલે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આનો જવાબ આપ્યો હતો. 

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, માસિક ધર્મ એ કોઈ સમસ્યા નથી. ત્યારે પેઈડ લીવ માટે પણ કોઈ વિશેષ નીતિની જરૂર ન હોવી જોઈએ. રાજ્યસભામાં રાષ્ટ્રીય જનતા દળના સભ્ય મનોજ કુમાર ઝા દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સ્મૃતિ ઈરાનીએ આ જવાબ આપ્યો હતો. મનોજ કુમારે દેશમાં માસિક ધર્મ સ્વચ્છતા નીતિ પર સવાલ પૂછ્યો હતો. 

મનોજ કુમાર ઝાએ વધુમાં સેનિટરી નેપકિન્સના ઉત્પાદનમાં વપરાતા અમુક પદાર્થોને કારણે સંભવિત જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી અને આ ઉત્પાદનોને સંચાલિત કરતા નિયમો વિશે પૂછપરછ કરી. જેના જવાબમાં, સ્મૃતિ  ઈરાનીએ જન ઔષધિ કેન્દ્ર દ્વારા સસ્તા ભાવે સેનેટરી નેપકીનની ઉપલબ્ધતા પર પ્રકાશ પાડ્યો અને કહ્યું, "10,000 જન ઔષધિ કેન્દ્ર દ્વારા, સેનેટરી નેપકીન 1 રૂપિયામાં ઉપલબ્ધ છે, અને કોઈ ફરિયાદ નથી."

સ્મૃતિ ઈરાની અનુસાર, માસિક ધર્મ ચક્ર કોઈપણ પ્રકારની બાધા કે સમસ્યા નથી. આ મહિલાઓની જીવન યાત્રાનો એક સ્વાભાવિક ભાગ છે. ત્યારે આપણે આ પ્રકારના મુદ્દાઓનો પ્રસ્તાવ ન આપવો જોઈએ કે જ્યાં મહિલાઓને સમાન અવસરોથી વંચીત કરવામાં આવે છે. માત્ર એટલા માટે કે, કોઈપણ વ્યક્તિનો માસિક ધર્મ માટે કોઈ અલગ અથવા વિશેષ દ્રષ્ટિકોણ છે. 

આ પહેલા કોંગ્રેસના સાંદ શશિ થરૂરે પણ આ પ્રકારનો સવાલ પૂછ્યો હતો અને એ સમયે સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, વર્ક પ્લેસ પર પેઈડ લિવ જેવા કોઈપણ પ્રાવધાન પ્રસ્તાવ માટે સરકાર વિચારી રહી નથી. આજે લેખીત જવાબમાં ઈરાનીએ કહ્યું કે, મોટાભાગના કેસમાં દવાની મદદથી સમસ્યાનું સમાધાન લાવી શકાય છે.