Mizoram Election Result: નવી પાર્ટી ZPMની બહુમતી સાથે જીત, ગુજરાતના પૂર્વ IAS ચૂંટણી હાર્યા

મિઝોરમની 40 વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે અને ભારે બહુમતી સાથે પોતાની સરકાર બનાવવા જઈ રહી છે. પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર લાલદુહોમા છે.

Share:

હાઈલાઇટ્સ

  • મિઝોરમમાં જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM)ની બહુમતી સાથે જીત
  • નવી બનેલી પાર્ટીએ કુલ 40માંથી 26 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો

નેશનલ ડેસ્ક: મિઝોરમમાં જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM)ની બહુમતી સાથે જીત થઈ છે. લેટેસ્ટ આંકડા પર નજર કરીએ તો પાર્ટીએ 40માંથી 25 સીટો જીતી છે. મિઝોરમના મુખ્યમંત્રી જોરામથાંગા આઈઝોલ ઈસ્ટ-1 સીટ પરથી 2101 વોટથી ચૂંટણી હારી ગયા છે. બીજી તરફ ભાજપે મિઝોરમમાં પલક અને સાયહા વિધાનસભા સીટ જીતી લીધી છે. ભાજપના ઉમેદવાર કે હ્રામોએ પલક વિધાનસભા મતવિસ્તારમાં તેમના MNF પ્રતિસ્પર્ધી કેટી રોકાવને 1,241 મતોથી હરાવ્યા છે તેવું ચૂંટણી પંચે જણાવ્યું હતું. ભાજપના ઉમેદવાર કે બેઈચુઆએ વિધાનસભા બેઠક પર તેમના MNF પ્રતિસ્પર્ધી એચસી લાલમલસાવમા ઝસાઈને 616 મતોથી હરાવ્યા છે.

મિઝોરમમાં સરકાર બનાવવા જઈ રહેલી નવી પાર્ટી ZPMના કાર્યકર્તાઓએ ઉજવણી શરૂ કરી દીધી છે. પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર લાલદુહોમાએ જણાવ્યું કે, મિઝોરમ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને આ જ આપણને આપણે વિદાય લેતી સરકાર પાસેથી વારસામાં મળવા જઈ રહ્યું છે…અમે અમારી પ્રતિબદ્ધતા પૂરી કરીશું…. નાણાકીય સુધારણા જરૂરી છે અને આ માટે અમે એક રિસોર્સ મોબિલાઈઝેશન ટીમ બનાવવા જઈ રહ્યા છીએ. હું આવતીકાલે અથવા પરમદિવસે રાજ્યપાલને મળીશ. નવી સરકારનો શપથગ્રહણ આ મહિને થશે.'

ગુજરાતના પૂર્વ IAS ચૂંટણી હાર્યા
મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના પૂર્વ  IAS ઓફિસર ચુવાંગો ચૂંટણી હારી ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ ફરજ બજાવી ચૂકેલા ચૂવાંગો મિઝોરમના મુખ્ય સચિવ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે IASમાંથી રાજીનામું આપીને કોંગ્રેસના ઉમેદવાર બનીને મિઝોરમ વિધાનસભાની ચૂંટણી લડી હતી.

ઉલ્લેખનીય છે કે, નવેમ્બરમાં પાંચ રાજ્યો તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. પાંચ રાજ્યોની મતગણતરી 3 ડિસેમ્બરે એક સાથે થવાની હતી પરંતુ મિઝોરમની મતગણતરી મોકૂફ રાખવામાં આવી હતી અને બીજા દિવસે એટલે કે સોમવારે મિઝોરમ વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ હતી. પહેલા પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું અને બપોર સુધીમાં ત્યાંનું પિક્ચર પણ સ્પષ્ટ થઈ ગયું કે, ત્યાં ZPMની સરકાર બનશે.