MLA ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી, શું છે મામલો?

નર્મદાના ડેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના આગોતરા જામીન જિલ્લા કોર્ટ બાદ ગુજરાત હાઈકોર્ટે પણ ફગાવી દીધા છે. ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીને કથિત રીતે માર મારવાનો આરોપ છે.

Share:

હાઈલાઇટ્સ

  • ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો
  • ગુજરાત HCએ ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી ફગાવી

નર્મદા: નર્મદા જિલ્લાના વન વિભાગના બીટ ગાર્ડને ઘરે બોલાવીને ધમકાવવા અને માર મારવાના કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. કારણ કે, ચૈતર વસાવાએ કરેલી આગોતરા જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે પણ નામંજૂર કરી દીધી છે. આ પહેલા ચૈતર વસાવાએ જિલ્લા કોર્ટમાં પણ આગોતરા જામીન અરજી કરી હતી અને તે પણ ન્યાયાધીશ દ્વારા ફગાવી દેવામાં આવી હતી અને હવે ગુજરાત હાઈકોર્ટે પણ ચૈતર વસાવાને મોટો ઝટકો આપી દીધો છે.

શું છે સમગ્ર મામલો?

પ્રાપ્ત માહિતી અનુસાર ડેડિયાપાડાના ગામોમાં ગેરકાયદે થઈ રહેલા ખેડાણ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના બીટ ગાર્ડને ઘરે બોલાવ્યા હતા અને ધમકાવ્યા બાદ કથિત રીતે માર માર્યો હતો. જેથી બીટ ગાર્ડ દ્વારા ચૈતર વસાવા સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેથી ચૈતર વસાવાએ પહેલા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જો કે, તે ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં પણ આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે પણ તે નામંજૂર કરી દીધી અને સાથે જ એવું પણ જણાવ્યું કે, ચૈતર વસાવાએ ક્યા અધિકારો હેઠળ વનકર્મીને ઘરે બોલાવ્યા હતા.

પોલીસ ફરિયાદ થતાં ચૈતર વસાવા ફરાર

ગાર્ડને કથિત રીતે માર મારવાના કેસમાં ચૈતર વસાવાએ રજૂઆત કરી હતી કે, તે ધારાસભ્ય છે અને ક્યાંય જવાના નથી. બીજી તરફ સરકારે પણ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી અને જણાવ્યું કે, આ એક ગંભીર કેસ છે, જેથી આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ઘટનાને લઈને થયેલી પોલીસ ફરિયાદ બાદથી ધારાસભ્ય ચૈતર વસાવા ભૂગર્ભમાં છે. જેથી પોલીસ પણ તેમને સતત શોધી રહી હોવાનું મીડિયા રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે.