રોકાણના નામે સ્કેમ કરતી 100થી વધુ ચાઈનીઝ વેબસાઈટ્સ અંગે મોદી સરકારનો મોટો નિર્ણય

મોદી સરકાર ઇન્વેસ્ટમેન્ટના નામે સ્કેમ કરતી 100થી વધુ ચાઈનીઝ વેબસાઈટ્સ બેન કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને ગૃહ મંત્રાલયે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટ્રી સાથે વાત કરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • ચાઈનીઝ દ્વારા ભારતીયોને ટાર્ગેટ કરી 700થી વધુ કરોડની છેતરપિંડી
  • મોદી સરકારે આવી 100થી વધુ ચાઈનીઝ વેબ બેન કરવાનો નિર્ણય કર્યો

નેશનલ ડેસ્ક: મોદી સરકાર ચાઈનીઝ ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ વેબસાઈટ્સ સામે મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સરકારે આવી 100થી વધુ ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરૂ કરી છે જેણે ભારતીય નાગરિકોને ટાર્ગેટ કરીને અત્યાર સુધી કરોડો રૂપિયા પડાવ્યા છે. આ પ્રકારની વેબસાઇટ દેશની અર્થવ્યવસ્થાને નબળી પાડી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયે આવી વેબસાઇટ્સને બ્લોક કરવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય સાથે વાતચીત કરી છે.

કેન્દ્રીય એજન્સીઓ દ્વારા સાઇટ્સની ઓળખ કરવામાં આવી છે. જેના પગલે બહુવિધ એનાલિસિસ હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન આ વેબસાઈટ્સ એકથી વધુ બેંક ખાતાઓ સાથે જોડાયેલી હોવાનું જાણવા મળ્યું હતું અને તપાસ એજન્સીઓને મૂંઝવવા માટે એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરીને આખરે ક્રિપ્ટોકરન્સીમાં બદલી નાખ્યા હતા. ત્યારબાદ વિવિધ રાજ્યોએ કેન્દ્રને પત્ર લખીને દેશની નાંણાકીય વ્યવસ્થાને નુકસાન પહોંચાડતા આવા કૌભાંડો વિશે જણાવ્યું હતું. જેના કારણે મોદી સરકારે આ પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરૂ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે ભવિષ્યમાં પ્રતિબંધની સૂચિમાં આવી વધુ સાઇટ્સ ઉમેરવામાં આવશે.

હૈદરાબાદ પોલીસે આ પ્રકારની સૌથી મોટી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો હતો જેમાં ચાઇનીઝ દ્વારા ચલાવવામાં આવેલા કૌભાંડમાં આશરે રૂ. 712 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. પીડિતોને ટેલિગ્રામ એપ દ્વારા પાર્ટ-ટાઈમ નોકરીના વચનો આપીને લાલચ આપવામાં આવી હતી. એક ફરિયાદીએ હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરી કે તે ટેલિગ્રામ પર ‘રેટ એન્ડ રિવ્યૂ’ જોબમાં જોડાયો હતો.

શરૂઆતમાં, પીડિતોએ નાની રકમનું રોકાણ કર્યું હતું. જો કે, બાદમાં તેઓ નોંધપાત્ર વળતરની ભ્રામક ખાતરી સાથે મોટા રોકાણોમાં ફસાઈ ગયા અને છેવટે કૌભાંડનો ભોગ બની ગયા હતા. આવી વેબસાઈટ્સ કૌભાંડોને અંજામ આપવા માટે વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મનો વધુને વધુ દુરુપયોગ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ છેતરપિંડીમાં કેટલાક ક્રિપ્ટો વોલેટ ટ્રાન્ઝેક્શન્સ હિઝબોલ્લાહ વોલેટ સાથે જોડાયેલા હતા. એટલું જ નહીં, તિરુવનંતપુરમના કોલ્લમમાંથી અન્ય એક છેતરપિંડીની સામે આવી હતી જ્યાં પીડિતે ચાઈનીઝ સ્કેમમાં આશરે રૂ. 1.2 કરોડ ગુમાવ્યા હતા. ઉત્તરાખંડ અને દિલ્હીમાં પણ આવા જ કેસ નોંધાયા છે.