Mohammad Shamiએ કાર અકસ્માતમાં એક યુવકનો બચાવ્યો જીવ, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું

Courtesy: Twitter

Share:

Mohammed Shami: ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)એ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર શમીએ વધુ એક દિલ જીતી લેનારું કામ કર્યું છે. મોહમ્મદ શમીએ કાર અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને બચાવતા અને તેમની મદદ કરતો જોવા મળે છે. મોહમ્મ્દ શમીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. આ પછી ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ મોહમ્મદ શમી (Mohammed Shami) રજાઓ ગાળવા માટે નીકળ્યો હતો. શનિવારના રોજ તે નૈનીતાલ જઈ રહ્યો હતો. તે દરમિયાન રસ્તામાં એક કાર અકસ્માતની ઘટના જોવા મળી હતી. જ્યાં એક કાર ખાઈમાં પડી ગઈ હતી. ત્યારબાદ ક્રિકેટર મોહમ્મદ શમીએ પોતાની કાર રોકાવી અને તેના સાથીઓની મદદથી કારમાં સવાર ઘાયલ વ્યક્તિ બહાર નીકાળવામાં મદદ કરી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મોહમ્મ્દ શમી ખુદ ઈજાગ્રસ્ત વ્યક્તિની મદદ કરી રહ્યો છે.

મોહમ્મદ શમી (Mohammed Shami)એ શેર કરેલા વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, "તે ખૂબ જ ભાગ્યશાળી છે કે ભગવાને તેને બીજું જીવન આપ્યું છે. તેની કાર નૈનીતાલમાં પહાડી રસ્તા પરથી નીચે પડી હતી. તેઓ મારી કારની ઠીક આગળ જ હતા. અમે તેમને સલામત રીતે કારમાંથી બહાર કાઢ્યા." આ વીડિયો શેર કરતી વખતે મોહમ્મ્દ શમીએ એમ પણ લખ્યું કે કોઈનો જીવ બચાવીને તે ખૂબ જ ખુશ છે.

ભારતના ODI વર્લ્ડ કપ અભિયાનમાં પ્રભાવિત કરનારા ખેલાડીઓમાં મોહમ્મદ શમી (Mohammed Shami) એક અગ્રણી નામ હતું. કમનસીબે ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હૃદયદ્રાવક હારનો સામનો કરવો પડ્યો હતો. અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મ્દ શમીએ વર્લ્ડ કપની 7 મેચમાં 10.71ની એવરેજથી 24 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે લીગ તબક્કાની પ્રથમ 4 મેચોમાં તે ભારતની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો.


Mohammed Shamiએ ન્યૂઝીલેન્ડ સામે યાદગાર પ્રદર્શન કર્યું હતું

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ઈજા બાદ આ 33 વર્ષીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)ને રમવાની તક મળી હતી. તેણે તેની 7 મેચમાં 3 વખત 5 કે તેથી વધુ વિકેટ લીધી હતી. આમાં સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની 7 વિકેટનો પણ સમાવેશ થાય છે, જે વર્લ્ડ કપમાં અત્યાર સુધીનું ભારતીય ખેલાડીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તે ODI વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે.

ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝ રમવામાં વ્યસ્ત છે. સૂર્યકુમાર યાદવ આ T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી રહ્યો છે. મોહમ્મ્દ શમી (Mohammed Shami) સહિતના વરિષ્ઠ ખેલાડીઓને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે.