Mumbai Airportને બોમ્બથી ઉડાવાની ધમકી, મેઈલ કરી 48 કલાકમાં 10 લાખ ડોલરના બિટકોઈનની માગણી કરી

જે આઈપી એડ્રેસનો ઉપયોગ કરીને મુંબઈ એરપોર્ટ માટે આ ધમકીભર્યો ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો તેને ટ્રેસ કરી લેવાયો

Courtesy: Image: Twitter

Share:

 

Mumbai Airport: ગુરૂવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2ને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. એક ઈમેઈલ દ્વારા ધમકી આપનારે 48 કલાકની અંદર બિટકોઈનમાં 10 લાખ ડોલર આપવાની માગણી કરી હતી. મુંબઈ એરપોર્ટ (Mumbai Airport)માં બોમ્બ વિસ્ફોટ ધમકી મળતા એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.

 

સહારા પોલીસે આ મામલે એક અજાણ્યા શખ્સ સામે એફઆઈઆર દાખલ કરી છે. આ સાથે જ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Mumbai Airportને ઉડાવી દેવાની ધમકી

એક ઈમેઈલ દ્વારા મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ગુરૂવારના રોજ કરવામાં આવેલા આ ઈમેઈલમાં 48 કલાકની અંદર 10 લાખ ડોલર આપવાની માગણી કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, ધમકી આપનારે આ રકમ બિટકોઈનમાં માગી છે. ઈમેઈલમાં આગળ એમ પણ લખ્યું છે કે, જો બિટકોઈનમાં રકમ નહીં આપવામાં આવે તો ખરાબ હાલ થશે. 

 

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, [email protected] નામના આઈડી પરથી આ ધમકીભર્યો ઈમેઈલ કરવામાં આવ્યો હતો. આરોપીએ ગુરુવારે સવારે 11:00 વાગ્યે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના ફીડબેક ઈનબોક્સમાં આ ઈમેઈલ કર્યો હતો.

24 કલાક પછી એલર્ટ મોકલીશું... 

ધમકીભર્યા ઈમેઈલમાં આરોપીએ લખ્યું હતું કે ,તમારા એરપોર્ટ માટે આ છેલ્લી ચેતવણી છે. જો 10 લાખ ડોલર નહીં આપવામાં આવે તો અમે 48 કલાકની અંદર એરપોર્ટના ટર્મિનલ 2 પર બોમ્બ ધડાકા કરીશું. તેના માટે બિટકોઈનમાં અમને આ ખંડણીની રકમ ચૂકવવામાં આવે. 24 કલાક પછી વધુ એક એલર્ટ મોકલીશું. 

 

જે આઈપી એડ્રેસનો ઉપયોગ કરીને મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) માટે આ ધમકીભર્યો ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો તેને ટ્રેસ કરી લેવાયો છે. પોલીસ હવે ઈમેઈલ મોકલનાર વ્યક્તિને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. 

 

મુંબઈની સહારા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ કલમ 385 અને 505(1) (b) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે, મેઈલના આધાર પર એફઆઈઆર નોંધવામાં આવી છે તથા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

મોદી અને યોગીજી માટે ધમકીભર્યો કોલ

નોંધનીય છે કે, થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની હત્યા કરવા માટે ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની ગેંગના સભ્ય દ્વારા તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો દાવો કરતો કોલ કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ પણ કરી હતી. 

 

એક અધિકારીએ 22 નવેમ્બર, 2023ના રોજ આ અંગેની માહિતી આપી હતી. 29 વર્ષીય આરોપીની ઓળખ કામરાન અમીર ખાન તરીકે થઈ છે.