Mumbai Cylinder Blast: ચેમ્બુરમાં 5 ઈમારતો ધરાશયી, 4 વ્યક્તિ ઘાયલ

આ ઘટના બુધવારે સવારે લગભગ 7.50 વાગ્યે ચેમ્બુરમાં ગોલ્ફ ક્લબ પાસે આવેલી ઓલ્ડ બેરેકમાં બની હતી

Courtesy: Image: Twitter

Share:

 

Mumbai Cylinder Blast: મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં બુધવારે સવારે એક મકાનમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થવાના કારણે 5 મકાનો ધરાશાયી થઈ ગયા હતા. મુંબઈ સિલિન્ડર બ્લાસ્ટ (Mumbai Cylinder Blast)નો ભોગ બનેલા 11 લોકોને ઘટના સ્થળેથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં છે.

 

વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આ ઘટના દરમિયાન કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બુધવારે સવારે લગભગ 7.50 વાગ્યે ચેમ્બુરમાં ગોલ્ફ ક્લબ પાસે આવેલી ઓલ્ડ બેરેકમાં બની હતી.

Mumbai Cylinder Blastમાં 4ને ઈજા

ચેમ્બુરમાં સિલિન્ડરમાં વિસ્ફોટના કારણે નોંધપાત્ર નુકસાન થયું હતું અને તેના પરિણામે લગભગ 4થી 5 જેટલી બે માળની ઈમારતો પડી ગઈ હતી. કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા 11 લોકોમાંથી 4 લોકોને તબીબી સારવાર માટે ગોવંડીની શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

ફાયર વિભાગ દ્વારા બચાવ કાર્ય 

મુંબઈમાં સિલિન્ડર બ્લાસ્ટ (Mumbai Cylinder Blast)ના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, ચેમ્બુર કેમ્પ વિસ્તારમાં એક સાથે 5 મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાથી થઈ ગયા હતા. મકાન ધરાશાયી થવાના કારણે ઘણા લોકો મકાનોના કાટમાળ નીચે દટાયા હતા. તાત્કાલિક ફાયર વિભાગને દુર્ઘટનાની જાણ કરવામાં આવી હતી તથા રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવાયું હતું.

વિરાર રેલ્વે સ્ટેશન પાસે આગ હોનારત

આ સિવાય તાજેતરમાં મુંબઈના વિરાર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-6 પાસે આવેલા કેબલના વાયરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર-બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગના જવાનોએ આગને કાબૂમાં લીધી હતી.

 

વિરાર રેલવે સ્ટેશન પર પીક-અવર્સમાં ખૂબ ભીડ જોવા મળતી હોય છે. ખાસ કરીને સવારના સમયે પ્રવાસીઓની સંખ્યા ખૂબ વધારે હોય છે. વિરાર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર વિવિધ પ્રકારના ઈલેક્ટ્રિક કેબલ નાખવામાં આવ્યા છે. ત્યારે પ્લેટફોર્મનંબર-6ની બાજુમાં આવેલી કેબલ ચેનલમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. આ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને તેના કારણે સ્ટેશન વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. 

 

આગને કારણે પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર-બ્રિગેડના કર્મચારીઓને આ વિશેની માહિતી મળતાં જ તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ પરંતુ પ્રવાસીઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો.

 

આ સિવાય સોમવારે દક્ષિણ મુંબઈના આગ્રીપાડામાં સવારે 21 માળની રહેણાંક ઈમારતમાં આગ ફાટી નીકળી હતી. બીએમસીનાનઅધિકારીએ જણાવ્યું હતું કે, સવારે 8:07 વાગ્યે ઈમારતના ઈલેક્ટ્રિકલ ડક્ટમાં આગ ફાટી નીકળી હતી. આ આગને લેવલ-1માં વર્ગીકૃત કરાઈ હતી અને કોઈ જાનહાનિ નહોતી નોંધાઈ.