મુંબઈ ઈન્ડિયન્સમાં "રોહિત શર્મા"નો યુગ ખતમઃ હાર્દિક પંડ્યા સંભાળશે ટીમની કમાન

ટીમના નેતૃત્વએ આ મોટા બદલાવની જાહેરાત 19 ડિસેમ્બરના રોજ યોજાનારી IPL ની નિલામી પહેલા કરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • IPL માં કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનો રેકોર્ડ ખૂબજ સારો રહ્યો છે
  • મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024 શરૂ થાય તે પહેલા જ તમામ લોકોને આશ્ચર્યચકિત કરી દિધા

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024 શરૂ થાય તે પહેલા જ તમામ લોકોને આશ્ચર્યચકિત કરી દિધા છે. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ટીમના નેતૃત્વએ આ મોટા બદલાવની જાહેરાત 19 ડિસેમ્બરના રોજ યોજાનારી IPL ની નિલામી પહેલા કરી છે.

મહત્વનું છે કે, મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા તાજેતરમાં જ હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સમાંથી પોતાની ટીમમાં શામિલ કરવામાં આવ્યો છે. પંડ્યાને કેપ્ટન બનાવવાનો નિર્ણય આગામી સીઝન માટે ફ્રેન્ચાઈઝીના દ્રષ્ટીકોણમાં એક રણનૈતિક બદલાવનો સંકેત આપે છે.

કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનો રેકોર્ડ

IPL માં કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનો રેકોર્ડ ખૂબજ સારો રહ્યો છે. ગુજરાત ટાઈટન્સને હાર્દિકે પહેલી જ સીઝનમાં પોતાની મજબૂત કેપ્ટન્સીના દમ પર ચેમ્પિયન બનાવ્યું હતું. તો IPL 2023 માં પણ હાર્દિકની કેપ્ટન્સીમાં ટીમ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરીને ફાઈનલ સુધી પહોંચી હતી. આ જ કારણ છે કે, મુંબઈની ટીમે IPL 2024 માટે હાર્દિક પંડ્યા પર દાવ લગાવ્યો છે. હાર્દિકને જ્યારે GT માંથી લેવામાં આવ્યો હતો ત્યારે એવી અટકળો હતી કે હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બની શકે છે.

રોહિતે MI ને પાંચ વાર ચેમ્પિયન બનાવ્યું

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે રોહિત શર્માનો રેકોર્ડ પણ સારો રહ્યો છે. રોહિતે IPL માં ટીમને પાંચ વાર ચેમ્પિયન બનાવી છે. વર્ષ 2011 માં હિટમેન રોહિત શર્મા, મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો હતો અને 2013 માં રોહિતને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રોહિતે કેપ્ટન તરીકેની જવાબદારી મળ્યાના પ્રથમ વર્ષે એટલે કે 2013 માં જ MI ને IPL જીતાડી હતી. પછી રોહિતની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સે 2015,2017,2019 અને 2020 માં IPL ના ખિતાબ જીત્યા હતા.