National Herald case: ઈડી દ્વારા 752 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ, કોંગ્રેસે ગણાવી બદલાની કાર્યવાહી

5 રાજ્યોમાં હારી જવાના ડરથી ભાજપ સરકાર ઈડી પાસે આ કાર્યવાહી કરાવી રહી હોવાનો કોંગ્રેસનો આરોપ

Courtesy: Image: Twitter

Share:

 

National Herald case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટએ નેશનલ હેરાલ્ડ કેસ (National Herald case) અંતર્ગત એક મોટી કાર્યવાહીમાં મંગળવારના રોજ કોંગ્રેસ સાથે સંકળાયેલ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ) અને યંગ ઈન્ડિયાની રૂ. 751 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. 

National Herald caseમાં મોટી કાર્યવાહી

કેન્દ્રીય તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે કરવામાં આવી છે જેમાં દિલ્હી, મુંબઈ અને લખનૌ જેવા અનેક શહેરોમાં ફેલાયેલી સંપત્તિઓ અસ્થાયી રૂપે જપ્ત કરવામાં આવી છે. 

ઈડીએ કોંગ્રેસ પ્રમોટેડ નેશનલ હેરાલ્ડ ન્યૂઝ પેપર અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ સામેની મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે 752 કરોડ રૂપિયાની સ્થિર મિલકતો અને શેરો ટાંચમાં લીધા છે. યંગ ઈન્ડિયનમાં સોનિયા-રાહુલ ગાંધીની 76% ભાગીદારી છે.

કોંગ્રેસનો આરોપ

ઈડીએ એવા સમયે સંપત્તિ ટાંચમાં લીધી છે જ્યારે 5 રાજ્યો છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે અને ૩ ડિસેમ્બરે મત ગણતરી છે. કોંગ્રેસે આ કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે, બદલો લેવાના આશયથી આ કાર્યવાહી કરવામાં આવી છે. 5 રાજ્યોમાં હારી ગયા હોવાના ડરથી ભાજપ સરકાર ઈડી પાસે આ કાર્યવાહી કરાવી રહી છે.

 

આ અગાઉ ઈડી નેશનલ હેરાલ્ડ કેસ (National Herald case) મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પણ પૂછપરછ કરી ચૂકી છે. કેન્દ્રીય એજન્સી દ્વારા જપ્ત કરવામાં આવેલી સંપતિમાં દિલ્હી, મુંબઈ અને લખનૌ સહિત અન્ય જગ્યાની પ્રોપર્ટીનો સમાવેશ થાય છે, જ્યારે કુલ સંપત્તિ 661.69 કરોડ છે, જ્યારે યંગ ઈન્ડિયાની પ્રોપર્ટીની કિંમત 90.21 કરોડ છે.

 

ઈડીએ નેશનલ હેરાલ્ડનું દિલ્હી ખાતે આવેલું નેશનલ હેરાલ્ડનું ઘર, લખનઉમાં નહેરુ ભવન અને મુંબઈમાં નેશનલ હેરાલ્ડ હાઉસ આ તમામ સંપતિઓ જપ્ત કરી છે. 

શું છે નેશનલ હેરાલ્ડ કેસ?

નેશનલ હેરાલ્ડનો મામલો સૌપ્રથમવાર 2012માં ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ ઉઠાવ્યો હતો. ઑગસ્ટ 2014માં ઈડીએ આ બાબતની સ્વતઃ સંજ્ઞાન લીધી હતી અને મની લોન્ડરિંગ કેસ નોંધ્યો હતો. આ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડિઝ, સેમ પિત્રોડા અને સુમન દુબેને આરોપી બનાવવામાં આવ્યા હતા.

 

આરોપ છે કે 2010માં 5 લાખ રૂપિયા સાથે બનેલી યંગ ઈન્ડિયન લિમિટેડની સંપત્તિ થોડાં વર્ષોમાં વધીને 800 કરોડ રૂપિયા થઈ ગઈ છે. સ્વામીનો આરોપ છે કે રાહુલ-સોનિયાની યંગ ઈન્ડિયન લિમિટેડે નેશનલ હેરાલ્ડ ચલાવતી એજેએલ કંપની પર કોંગ્રેસ દ્વારા લેણી કરાયેલી રૂ. 90 કરોડની લોન ચૂકવવા માટે રૂ. 50 લાખ ચૂકવ્યા હતા, ત્યાર બાદ કોંગ્રેસે એજેએલ પાસેના બાકીના રૂ. 89.50 કરોડ ચૂકવ્યા હતા અને લોન માફ કરી દીધી હતી.