Navi Mumbai Metro Line: 12 વર્ષની પ્રતીક્ષા બાદ શરૂ થઈ સેવા, જાણો રૂટ સહિતની માહિતી

વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવે તેવી ઈચ્છા હતી પરંતુ અનેક પ્રયત્નો છતાં તેમનો સમય નહોતો મળી શક્યો

Courtesy: Image: Twitter

Share:

 

Navi Mumbai Metro Line: આખરે 12 વર્ષની પ્રતીક્ષા બાદ નવી મુંબઈમાં બેલાપુર અને પેંડાર વચ્ચેની મેટ્રો રેલ લાઈન-1 પરથી શુક્રવારથી સેવાઓ શરૂ કરી દેવાઈ છે. રાજ્યના શહેર અને ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. 

 

સિડકોના અહેવાલ પ્રમાણે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિર્દેશ પર કોઈ પણ પ્રતારના સત્તાવાર કાર્યક્રમ વગર નવી મુંબઈ મેટ્રો લાઈન (Navi Mumbai Metro Line)ના 11.10 કિમી લાંબા માર્ગ પર મેટ્રો સેવાઓ જનતા માટે શરૂ કરી દેવામાં આવી રહી છે. 

Navi Mumbai Metro Lineનો આરંભ

એક દશકા કરતા પણ વધુ સમયની પ્રતીક્ષા બાદ નવી મુંબઈ મેટ્રો લાઈનને કોઈ પણ પ્રકારના ઔપચારિક ઉદ્ઘાટન વગર 17મી નવેમ્બર, 2023ને શુક્રવારથી શરૂ કરી દેવાઈ છે. પ્રથમ તબક્કામાં બેલાપુરથી પેંડાર વચ્ચે મેટ્રો દોડશે. આ માટે સિડકો દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે.

 

લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારની ઔપચારિકતા વગર નવી મુંબઈ મેટ્રો લાઈન (Navi Mumbai Metro Line) શરૂ કરી દેવામાં આવી છે. 

મુખ્યમંત્રી અને સિડકોના એમડીની બેઠક

મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સિડકોના એમડી અનિલ ડિગ્ગીકર વચ્ચેની બેઠકમાં રૂટ-1 પર બેલાપુરથી પેંધર સુધીની મેટ્રો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ અનેક વખત ઉદ્ઘાટન પાછું ઠેલાયું હતું. 

 

હકીકતે વડાપ્રધાન મોદી દ્વારા મેટ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી ઈચ્છા હતી પરંતુ અનેક પ્રયત્નો છતાં તેમનો સમય નહોતો મળી શક્યો. માટે જ હવે ઉદ્ઘાટન વગર આ સેવા શરૂ કરી દેવામાં આવી છે. 

 

બેલાપુરથી પેંધર સુધીના 11.10 કિમીના માર્ગ પર 11 સ્ટેશન બનાવવામાં આવ્યા છે. તે સિવાય તલોજાના પાંચનંદ ખાતે ડિપો તૈયાર કરવામાં આવ્યો છે. મેટ્રો સેવા દર 15 મિનિટે ઉપલબ્ધ થશે.

રૂટ અને ભાડા સહિતની વિગતો

શુક્રવારના રોજ આ સેવા બપોરે 3:00 કલાકે શરૂ થઈ હતી અને અંતિમ મેટ્રોનો સમય રાતના 10:00 વાગ્યાનો રહેશે. 18મી નવેમ્બરથી નવી મુંબઈ મેટ્રો લાઈન (Navi Mumbai Metro Line) સવારના 6:00 વાગ્યાથી રાત્રિના 10:00 વાગ્યા સુધી ધમધમશે. 

 

આ મેટ્રો લાઈન બેલાપુર રેલવે સ્ટેશન, સેક્ટર-7 બેલાપુર, સાયન્સ પાર્ક, ઉત્સવ ચોક, સેક્ટર 11 ખારઘર, સેક્ટર-14 ખારઘર, સેન્ટ્રલ પાર્ક, પેથાપાડા, સેક્ટર- 34 ખારઘર, પંચાનંદ અને પેંડર ટર્મિનલને આવરી લેશે. 

 

મહામેટ્રો દ્વારા 2 કિમી સુધીની મુસાફરી માટે 10 રૂપિયા ભાડુ નક્કી કરવામાં આવ્યું છે જ્યારે 2થી 4 કિમી માટે 15 રૂપિયા નક્કી કરાયું છે અને પ્રતિ 2 કિમીએ ભાડામાં 5 રૂપિયાના વધારાનો પ્રસ્તાવ છે. સાથે જ 10 કિમીથી લાંબી મુસાફરી માટે 40 રૂપિયા નિર્ધારીત કરાયા છે.