સુભાષ ચંદ્ર બોઝ 'નેતાજી'ને રાષ્ટ્રીય પુત્ર જાહેર કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

અરજીને નકારતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અમર છે અને તેમની મહાનતા દર્શાવવા માટે કોર્ટના કોઈ આદેશની જરુર નથી

Share:

હાઈલાઇટ્સ

  • સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નેતાજી અમર છે અને ઓળખની જરુર નથી
  • તેઓના યોગદાન માટે કોર્ટે કોઈ આદેશ આપવાની જરુર નથી
  • તેઓ અમર નેતા છે અને આખો દેશ તેમના વિશે જાણે છે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે નેતાજી સુભાષ ચંદ્ર બોઝને દેશના રાષ્ટ્રીય પુત્ર જાહેર કરવા માગતી અરજીને નકારી છે. અરજીને નકારતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અમર છે અને તેમની મહાનતા દર્શાવવા માટે કોર્ટના કોઈ આદેશની જરુર લાગતી નથી. અરજીમાં કોંગ્રેસ પર આરોપ લગાવામાં આવ્યો હતો કે, કોંગ્રેસે દેશની આઝાદીમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના યોગદાનને ઓછું કરીને આંક્યા હતા. તેમના ગાયબ થવાથી તેમના મૃત્યુ સુધીના સત્યને છૂપાવ્યું હતું. 

રાષ્ટ્રના પુત્ર જાહેર કરવાની માગ 
વાત એવી હતી છે કે, કટકમાં રહેતા પિનાક પાની મોહંતીએ સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરી હતી. અરજીમાં એવી માગણી કરવામાં આવી હતી કે બ્રિટિશ શાસને આઝાદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝના નેતૃત્વવાળી આઝાદ હિંદ ફોજે અપાવી હતી. સાથે જ અરજીમાં કોંગ્રેસ પર એવા આક્ષેપો કરવામાં આવ્યા કે નેતાજીએ દેશની આઝાદીમાં મોટુ યોગદાન આપ્યું એ વાતને ગણવામાં આવી નથી. સાથે જ કોંગ્રેસે નેતાજી ગાયબ થયા અને મૃત્યુ સંબંધિત ફાઈલોને ગુપ્ત રાખી હતી અને સત્ય જાહેર કર્યુ નહોતું. અરજીમાં એવી માગ કરવામાં આવી કે, સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસ 23 જાન્યુઆરીને રાષ્ટ્રીય દિવસ જાહેર કરવામાં આવે અને નેતાજીને રાષ્ટ્ર પુત્ર જાહેર કરવામાં આવે. 

સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ 
સુપ્રીમ કોર્ટે આ અરજીને રદ્દ કરતા કહ્યું કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ વિશે કોણ નથી જાણતું. આ દેશના તમામ લોકો તેમના યોગદાન વિશે જાણે છે. તેમની મહાનતા રજૂ કરવા માટે કોર્ટને કોઈ આદેશની જરુર લાગતી નથી. તેઓ અમર નેતા છે. તે મહાન છે અને આખો દેશ તેમનું સન્માન કરે છે. તેમના જેવા નેતાને કોર્ટની કોઈ ઓળખની જરુર નથી.