વિશ્વની સૌથી 'પાવરફુલ' મહિલાઓમાં Nirmala Sitharamanનું નામ શામેલ, ફોર્બ્સે જાહેર કર્યું લિસ્ટ

ભારતની અન્ય ઘણી શક્તિશાળી મહિલાઓએ પણ આ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, જેમાં ટેક્નોલોજી કેટેગરીમાં 60 વર્ષીય રોશની નાદર, SAILના 70 વર્ષીય સોમા મંડલ અને 76 વર્ષીય કિરણ મઝુમદાર શો બિઝનેસમાં શામેલ છે.

Share:

હાઈલાઇટ્સ

  • નિર્મલા સીતારમણ પહેલા કરતા વધુ શક્તિશાળી બની ગયા
  • ભારતના નાણામંત્રીએ ફોર્બ્સની યાદીમાં 32મું સ્થાન મેળવ્યું

ફોર્બ્સની એન્યુઅલ રેન્કિંગ (સૌથી શક્તિશાળી મહિલા)ના લેટેસ્ટ એડિશનમાં ભારતના નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 32મું સ્થાન મેળવ્યું છે. તેમણે ગયા વર્ષની આ યાદીમાં 36મું સ્થાન મેળવ્યું હતું. આ યાદીમાં રાજનીતિ, બિઝનેસ, મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ સહિત અનેક ક્ષેત્રોમાં વિશ્વભરની પ્રભાવશાળી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 64 વર્ષની ઉંમરે, નિર્મલા સીતારમણને ભારતમાં રાજકારણ અને નીતિમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે ઓળખવામાં આવે છે. નાણામંત્રી તરીકે તેમણે આર્થિક નીતિઓ ઘડવામાં અને દેશને આગળ લઈ જવામાં વિશેષ ભૂમિકા ભજવી છે. નાણામંત્રીની સાથે આ યાદીમાં અન્ય ત્રણ ભારતીય મહિલાઓમાં HCL કોર્પના CEO રોશની નાદર મલ્હોત્રા, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરપર્સન સોમા મંડલ અને બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર શૉનું નામ પણ શામેલ છે.

રોશની નાદાર મલ્હોત્રા
સૌથી શક્તિશાળી મહિલાઓમાં HCLના સ્થાપક અને ઉદ્યોગપતિ શિવ નાદરની પુત્રી રોશની નાદર મલ્હોત્રા પણ છે. ફોર્બ્સ અનુસાર, HCL ટેક્નોલોજીસના CEO તરીકે તેઓ કંપનીના તમામ વ્યૂહાત્મક નિર્ણયો માટે જવાબદાર છે. તેમણે જુલાઈ 2020માં તેમના પિતા બાદ આ જવાબદારી સંભાળી હતી.

સોમા મંડલ
સોમા મંડલ સરકારી માલિકીની સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAIL)ની પ્રથમ મહિલા અધ્યક્ષ છે. તેમને વર્ષ 2021માં આ જવાબદારી સોંપવામાં આવી હતી અને ખાસ વાત એ છે કે સોમા મંડલના નેતૃત્વમાં SAIL સતત નફામાં રહી છે અને તેમના નેતૃત્વના પ્રથમ વર્ષમાં જ કંપનીના નફામાં ત્રણ ગણો ઉછાળો આવ્યો હતો.

કિરણ મઝુમદાર શૉ
ફોર્બ્સની યાદીમાં શામેલ કિરણ મઝુમદાર-શૉ ભારતના સૌથી અમીર સેલ્ફ મેડ મહિલાઓમાંથી એક છે. બાયોફાર્માસ્યુટિકલ ફર્મ બાયોકોનની સ્થાપના તેમના દ્વારા વર્ષ 1978માં કરવામાં આવી હતી.

વિશ્વની ટોચની 3 શક્તિશાળી મહિલાઓમાં પણ મૂળ ભારતીય
વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની આ વખતની યાદીમાં યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન નંબર-1 પર છે. બીજા સ્થાને યુરોપિયન સેન્ટ્રલ બેંકના પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડ છે. જ્યારે ત્રીજા સૌથી શક્તિશાળી મહિલા ભારતીય મૂળના અનેક અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ છે.