COVIDના નવા વેરિયન્ટ JN.1ને લઈ રાહતની વાત, સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું-બૂસ્ટર ડોઝની નથી જરુર

કોરોનાના નવા વેરિયન્ટે ચારેકોર હવે હાહાકાર મચાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના આ નવા વેરિયન્ટને લઈ સારા સમાચાર આપ્યા છે. જેનાથી ચિંતા થોડી ઘટી છે.

Share:

હાઈલાઇટ્સ

  • હાલ તો બૂસ્ટર ડોઝ કે ચોથા ડોઝની કોઈ જરુર નથી
  • 60 વર્ષથી વધી ઉંમરના લોકોએ સાચવવું
  • હાલ નવા વેરિયન્ટના કેસ ત્રણ હજારને પાર છે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસમાં વધારો થઈ રહ્યો છે. તો વિશ્વમાં પણ કોહરામ મચાવનારા કોરોના વાયરસના નવા સબ વેરિયન્ટ જેએન 1ની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. કેરળમાં પહેલો કેસ સામે આવ્યો હતો અને એ પછી ગોવા તથા મહારાષ્ટ્ર સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી તેના સમાચાર સામે આવી રહ્યાં છે. તેના કેસમાં ઝડપથી ઉછાળો આવી રહ્યો છે. ત્યારે આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્ય સરકારોને અલર્ટ રહેવા માટે નિર્દેશ આપ્યો છે. 

કોઈ જરુર નથી 
સરકારે સ્પષ્ટતા કરી છે કે, હાલ તો બૂસ્ટર ડોઝ કે ચોથી વેક્સિન લેવાની કોઈ જરુર નથી. ભારતમાં SARS-CoV-2 જીનોમિક્સ કંસોર્ટિયમના પ્રમુખ એન.કે. અરોરાએ કહ્યું કે, નવા સબ વેરિયન્ટ સામે આવ્યો છે પણ તેને લઈ કોરોનાની વેક્સીન કે બૂસ્ટર ડોઝ લેવાની કોઈ જરુર નથી. માત્ર 60 વર્ષથી જેમની વધારે ઉંમર હોય અને કોઈ બીમારીથી પીડિત હોય તો તેઓએ સાવધાનીના ભાગરુપે ત્રીજો ડોઝ લઈ શકે છે. જો કે, સામાન્ય જનતાને ચોથા ડોઝની કોઈ જરુર નથી. એટલે ચિંતા કરવાની કોઈ જરુર નથી. 

રાહતની આ વાત 
ડૉક્ટર અરોરાએ આગળ વાત કરતા જણાવ્યું કે, રાહતની વાત એ છે કે, ઓમિક્રોનના આ નવા સબ  વેરિયન્ટની સામે આવેલા કેસ વધારે ગંભીર નથી અને સંક્રમિતોને હોસ્પિટલોમાં ભરતી થવાની જરુર ન પડી. JN.1 સબ વેરિયન્ટના લક્ષણોમાં તાવ, નાકમાંથી પાણી આવવું, ખાંસી, ક્યારેક ઝાડા, થાક લાગવો વગેરે સામેલ છે. જે સામાન્ય રીતે એક અઠવાડિયાની અંદર મટી જાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પહેલાં જ રાજ્યોને ટેસ્ટ વધારવા માટે નિર્દેશ આપ્યો છે.  

આટલા કેસ 
રવિવારે અપડેટ કરવામાં આવેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ, ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 656 નવા કેસ સામે આવ્યા હતા. જે બાદ એક્ટિવ કેસોની સંખ્યા 3742 થઈ ગઈ છે. જ્યારે કેરળમાં એક વ્યક્તિનું મોત થયુ હોવાના રિપોર્ટ સામે આવ્યો છે.