Odisha: જાણો કઈ તારીખથી લાગુ થશે પુરીના જગન્નાથ મંદિરના પરિસરમાં પાન-મસાલા પર પ્રતિબંધ

તાજેતરમાં જ મંદિરમાં કેટલાક લોકો અભદ્ર પોશાકમાં જોવા મળ્યા ત્યાર બાદ ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવાની જાહેરાત કરાઈ હતી

Courtesy: Image: Twitter

Share:

 

Odisha: શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનના મુખ્ય પ્રશાસક રંજન કુમાર દાસ દ્વારા એક મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. ઓડિશા (Odisha)ના પ્રખ્યાત એવા જગન્નાથ મંદિરના પરિસરમાં પાન અને ગુટકાના સેવન પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 12મી સદીના આ મંદિરના પરિસરમાં આગામી 1 જાન્યુઆરી, 2024થી પાન અને ગુટકા જેવા તમાકુવાળા ઉત્પાદનોની ખપત પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવશે. 

Odisha જનારા શ્રદ્ધાળુઓ માટે મહત્વનો નિયમ

આગામી વર્ષથી એટલે કે, 1 જાન્યુઆરી, 2024થી પુરીના જગન્નાથ મંદિરની અંદર પાન, ગુટકા વગેરેના સેવન પર પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનના મુખ્ય પ્રશાસક રંજન કુમાર દાસે આ અંગેની જાહેરાત કરી હતી. વધુમાં તેમણે આ નવો નિયમ કે પ્રતિબંધ મંદિરમાં આવનારા ભક્તો, સેવકો અને મંદિરના કર્મચારીઓ પર સખતાઈથી લાગુ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. 

નવેમ્બર-ડિસેમ્બરમાં નિયમ અંગે જાગૃતિ ફેલાવાશે

મીડિયા સાથેની વાતચીત દરમિયાન મંદિરના મુખ્ય પ્રશાસકે જણાવ્યું હતું કે, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં મંદિર પરિસરમાં પાન, ગુટકા વગેરેનું સેવન ન કરવા અંગેની જાગૃતિ ફેલાવવામાં આવશે અને ત્યાર બાદ 1 જાન્યુઆરીથી આ નવો નિયમ લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત નિયમનું ઉલ્લંઘન કરીને પાન-મસાલાનું સેવન કરનારાને દંડ ફટકારવામાં આવશે. 

 

ઓડિશા (Odisha)ના પ્રખ્યાત એવા શ્રી જગન્નાથ મંદિરના પ્રશાસને આ મામલે છત્તીસા નિજોગ (સેવકોની મહત્વની સંસ્થા)ને પણ પત્ર લખ્યો છે. પત્રમાં લખ્યું છે કે, મંદિર પરિસરમાં આ પ્રકારની વસ્તુઓના ઉપભોગને લઈ પહેલેથી સજાની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ કોઈ આ નિયમનું પાલન નહોતું કરતું. 

ભક્તો માટે ડ્રેસકોડ લાગુ

અનેક ધાર્મિક સ્થળોએ જીન્સ અને ટૂંકા કપડા પહેરવા પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે ઓડિશા (Odisha)ના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર દ્વારા પણ પ્રકારના નિયમ અંગે જાહેરાત કરવામાં આવી હતી. ઓડિશાના પુરીમાં સ્થિત પ્રખ્યાત મંદિર પ્રશાસનના અધિકારીઓએ કહ્યું હતું કે, હવે કોઈ પણ ભક્ત ફાટેલા જીન્સ, સ્લીવલેસ કપડા અને હાફ પેન્ટ પહેરીને જગન્નાથ મંદિરમાં પ્રવેશ કરી શકશે નહીં. 

 

12મી સદીના આ મંદિરમાં ભક્તો માટે 1 જાન્યુઆરીથી ડ્રેસ કોડ લાગુ કરવામાં આવશે. મંદિર પ્રશાસને કહ્યું હતું કે મંદિર કોઈ બીચ કે પાર્ક નથી, મંદિરમાં ભગવાન રહે છે, તે કોઈ મનોરંજન માટેનું સ્થળ નથી. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનના વડા રંજન કુમાર દાસે કહ્યું હતું કે, મંદિરની ગરિમા અને પવિત્રતા જાળવવાની જવાબદારી અમારી છે. 

 

કેટલાક લોકો અન્ય લોકોની ધાર્મિક લાગણીની પરવા કર્યા વિના મંદિરમાં આવે છે. મંદિરમાં કેટલાક લોકો અભદ્ર પોશાકમાં જોવા મળ્યા બાદ નીતિ સબ-કમિટીની બેઠકમાં ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.