મિમિક્રી વિવાદ: કોંગ્રેસે PM મોદીનો જૂનો વિડીયો શેર કર્યો, પૂર્વ ઉપરાષ્ટ્રપતિની મજાક ઉડાવવાનો આરોપ

સંસદના ઈતિહાસમાં ક્યારેય આટલા મોટા પાયા પર સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. પણ જેઓ મિમિક્રીની વાત કરે છે તેઓને જરા યાદ રહે કે કોણે કોની નકલ કરી અને તે પણ લોકસભામાં?: જયરામ રમેશ

Share:

હાઈલાઇટ્સ

  • 142 સાંસદોના સસ્પેન્શન પરથી ધ્યાન હટાવવાના આડેધડ પ્રયાસ: જયરામ રમેશ
  • જયરામ રમેશે પીએમ મોદીનો જૂનો વિડીયો શેર કરીને ગંભીર આરોપ લગાવ્યો છે

રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની મિમિક્રી પર થયેલા હોબાળા વચ્ચે કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક જૂનો વિડીયો શેર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીની મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો છે. આ વિડીયો શેર કરતાં જયરામ રમેશે કહ્યું કે 'મિમિક્રીનો મુદ્દો ઉઠાવીને 142 સાંસદોના સસ્પેન્શન પરથી ધ્યાન હટાવવાના આડેધડ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સંસદના ઈતિહાસમાં ક્યારેય આટલા મોટા પાયા પર સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. પણ જેઓ મિમિક્રીની વાત કરે છે તેઓને જરા યાદ રહે કે કોણે કોની નકલ કરી અને તે પણ લોકસભામાં?'

પીએમ મોદીના જૂના ભાષણની વિડીયો ક્લિપ શેર કરતા જયરામે કહ્યું કે, વડાપ્રધાને અંસારીની ગરિમાને તેમની ઓળખથી તેમના ધર્મમાં ઘટાડી દીધી છે. રમેશે આરોપ લગાવ્યો કે તેમની સમગ્ર કારકિર્દી અને રાજકીય સિદ્ધિઓ માત્ર તેમની ધાર્મિક ઓળખને કારણે છે. સંસદના પુસ્તકાલય સભાગૃહમાં વિદાય સમારંભની સાંજે વડાપ્રધાને આ જ વલણ અપનાવ્યું હતું. પીએમ અને તેમના સમર્થકો બંધારણીય સિંહાસન પર બેઠેલા વ્યક્તિનું અપમાન કરવાની વાત કરી રહ્યા છે, તેઓ વાસ્તવમાં દંભી અને તકવાદી છે.

ઉલ્લેખનીય છે કે, સંસદના શિયાળા સત્રમાં અત્યાર સુધીમાં વિપક્ષના 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મંગળવારે વિપક્ષના સાંસદોએ પણ આ સસ્પેન્શન વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરની નકલ કરી હતી. તેમની મિમિક્રીનો વિડીયો બનાવવા બદલ રાહુલ ગાંધીને પણ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમગ્ર ઘટના પર રાજ્યસભાના અધ્યક્ષે કહ્યું હતું કે, મેં ટીવી પર એક વિડીયો જોયો જેમાં એક મોટા નેતા તમારો વિડીયો બનાવી રહ્યા હતા, જ્યારે અન્ય સાંસદ તેની નકલ કરી રહ્યા હતા. તેમને સદબુદ્ધિ આવે. રાજ્યસભાના અધ્યક્ષ આ ઘટનાથી ખૂબ નારાજ છે. તેમણે કહ્યું કે મારી અવગણના કરવામાં આવી છે. મારી પૃષ્ઠભૂમિની, મારા પદ, મારી કૃષિ પૃષ્ઠભૂમિની મજાક ઉડાવવામાં આવી હતી. જ્યારે ટીએમસી સાંસદો મિમિક્રી કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી, પ્રમોદ તિવારી, જયરામ રમેશ, મનોજ ઝા, ડી રાજા, કાર્તિ ચિદમ્બરમ જેવા ઘણા વરિષ્ઠ નેતાઓ ત્યાં હાજર હતા.