PM Modiએ ડીપફેક ટેક્નોલોજીને લઈને વ્યક્ત કરી ચિંતા, કહ્યું- AIનો દુરુપયોગ એ ચિંતાનો વિષય છે

ડીપફેક વીડિયો બનાવનારને 1 લાખનો દંડ અને 3 વર્ષની જેલ થશે

Share:

 

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ શુક્રવારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના દુરુપયોગનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ ચિંતાનો વિષય છે. તેમણે ખાસ કરીને AI દ્વારા 'ડીપફેક્સ'ના સર્જન અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે મીડિયાએ લોકોને આ સંકટ અંગે ચેતવણી આપવી જોઈએ.

 

ભાજપના દિવાળી મિલન કાર્યક્રમમાં પત્રકારોને સંબોધતા વડાપ્રધાન મોદી (PM Modi)એ કહ્યું કે તેઓ ભારતને વિકસિત ભારત બનાવવાની આકાંક્ષા ધરાવે છે અને તેઓ તેને માત્ર કહીને નહીં પરંતુ જમીન પર બતાવવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું કે વોકલ ફોર લોકલના તેમના કોલને લોકોનું સમર્થન મળ્યું છે.

 

વડાપ્રધાન મોદી (PM Modi)એ કહ્યું કે કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ભારતની સિદ્ધિઓએ લોકોમાં વિશ્વાસ જગાડ્યો છે અને હવે આપણો દેશ અટકવાનો નથી. તેમણે કહ્યું કે છઠ પૂજા હવે રાષ્ટ્રીય તહેવાર બની ગઈ છે અને તે આપણા માટે ખૂબ જ ખુશીની વાત છે.

 

ડીપફેક અશાંતિ પેદા કરી શકે છે: PM Modi

વડાપ્રધાન મોદીએ ડીપફેક અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ડીપફેક સમાજમાં ભારે અશાંતિ પેદા કરી શકે છે. જનરેટિવ AI દ્વારા બનાવવામાં આવેલા ફોટોગ્રાફ્સ અથવા વીડિયોમાં એક સ્પષ્ટ ડિસ્ક્લેમર હોવું જોઈએ કે એ ડીપફેકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. લોકો અને મીડિયાએ ડીપફેક અંગે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે.

 

તેમણે કહ્યું હતું કે, "મેં મારો એક વીડિયો જોયો, જેમાં હું ગરબા કરી રહ્યો છું અને એ ખૂબ જ વાસ્તવિક લાગતો હતો, જોકે મેં બાળપણથી ગરબા નથી રમ્યા."

 

ગયા મહિને વડાપ્રધાન મોદી (PM Modi)ના ગરબા ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં વડાપ્રધાન જેવા દેખાતા વ્યક્તિ કેટલીક મહિલાઓ સાથે ગરબા કરતા જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નવરાત્રિ દરમિયાન ગરબા રમતાનો છે. 

 

આ દાવા સાથેનો આ વીડિયો ફેસબુક અને ટ્વિટર પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયો વડાપ્રધાન મોદીનો નથી પરંતુ તેમના જેવા દેખાતા અભિનેતા વિકાસ મહંતેનો છે.  

 

કેન્દ્રએ પીડિતોને પોલીસ ફરિયાદ કરવા અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો હેઠળ આપવામાં આવેલા ઉપાયોનો લાભ લેવા સલાહ આપી છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગયા અઠવાડિયે કહ્યું હતું કે ખોટી માહિતી ફેલાવાને રોકવા માટે ઓનલાઇન પ્લેટફોર્મ્સ માટે એ "કાનૂની જવાબદારી" છે. તેમણે વધુમાં કહ્યું હતું કે સરકાર નાગરિકોની સલામતી અને વિશ્વાસને ખૂબ જ ગંભીરતાથી લે છે. કેન્દ્રએ કહ્યું હતું કે ડીપફેક બનાવવા અને એનું પ્રસારણ કરવા માટે 1 લાખ રૂપિયાનો દંડ અને ત્રણ વર્ષની જેલની સજા થશે.