PM Modi: તેલંગાણાના SC મતદારો પર નજર, સબ ક્વોટા માટે સમિતિ રચવાની જાહેરાત

બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરને બે વખત ચૂંટણી ન જીતવા દીધી તે યાદ અપાવીને કોંગ્રેસ પર પ્રહાર

Courtesy: Twitter

Share:

PM Modi: વડાપ્રધાન મોદીએ તેલંગાણામાં આગામી 30 નવેમ્બરના રોજ યોજાનારા વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા એક સપ્તાહ કરતાં પણ ઓછા સમયમાં બીજી વખત રાજ્યની મુલાકાત લીધી હતી. શનિવારના રોજ તેમણે દલિત સમુદાય, ખાસ કરીને મડિગાઓની પાર્ટીમાં સ્થિતિ મજબૂત બને તે માટે પ્રયત્ન કર્યો હતો. નોંધનીય છે કે, આ સમુદાય રાજ્યની અનુસૂચિત જાતિમાં 60 ટકાનો હિસ્સો ધરાવે છે.

PM Modiની SC સબ ક્વોટા માટે જાહેરાત

મહિનાના અંતમાં તેલંગાણા વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ચૂંટણી પહેલા એક સપ્તાહ કરતા પણ ઓછા સમયમાં વડાપ્રધાન મોદીએ રાજ્યની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મડિગાઓને સશક્ત બનાવવા અને અનુસૂચિત જાતિઓ માટે સબ-ક્વોટા પર ધ્યાન આપવા એક સમિતિ રચવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે, મડિગા સમુદાય દ્વારા છેલ્લા 3 દશકાથી આ અંગેની માગણી કરવામાં આવી રહી છે. 

 

વડાપ્રધાન મોદીનું મડિગા સમુદાયને આપવામાં આવેલું આ વચન ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે, તેઓ તેલંગાણા વિધાનસભાની 119 બેઠકોમાંથી 20-25 બેઠકો પર નિર્ણાયક પરિણામો પર અસર પાડી શકે છે. રાજ્યમાં બહુમત માટે 60 બેઠકો જીતવાની જરૂર છે. 

વડાપ્રધાન મોદીનું સંબોધન

તેલંગાણા પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી (PM Modi)એ સિકંદરાબાદ ખાતે મડિગા રિઝર્વેશન પોરાટા સમિતિ દ્વારા આયોજિત એક રેલીને સંબોધિત કરી હતી. આ સમિતિના સંસ્થાપક મંદા કૃષ્ણા મડિગા જ્યારે વડાપ્રધાન મોદીએ તેઓ તેમનું અને તેમના ઉદ્દેશ્યનું સમર્થન કરે છે તેમ જણાવ્યું ત્યારે ભાવુક બનીને રડી પડ્યા હતા. ત્યાર બાદ વડાપ્રધાન મોદી મડિગા નેતાને સાંત્વના પાઠવતા જોવા મળ્યા હતા. બાદમાં મંદા કૃષ્ણા મડિગાએ નરેન્દ્ર મોદી અને ભાજપને પોતાના સંગઠનનું સમર્થન આપવાની જાહેરાત કરી હતી. 

ભારત રાષ્ટ્ર સમિતિ અને કોંગ્રેસ પર નિશાન

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધન દરમિયાન ભારત રાષ્ટ્ર સમિતિ અને કોંગ્રેસ પર બરાબરનું નિશાન સાધ્યું હતું અને તેમના પર દલિત વિરોધી હોવાનો આરોપ લગાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, "અમે આ અન્યાયને શક્ય તેટલી ઝડપથી ખતમ કરવા પ્રતિબદ્ધ છીએ. આ અમારૂં વચન છે કે અમે જલ્દી જ એક સમિતિની રચના કરીશું જે મડિગા સમુદાયને સશક્ત બનાવવા માટે તમામ શક્યતઃ રસ્તાઓ અપનાવશે. તમે અને હું એ પણ જાણીએ છીએ કે સુપ્રીમ કોર્ટમાં એક મોટી કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે. અમે તમારા સંઘર્ષને ઉચિત સમજીએ છીએ."

 

આ સાથે જ તેમણે મડિગા સમુદાયને કોર્ટમાં ન્યાય મળે તે સુનિશ્ચિત કરવાની પણ ખાતરી આપી હતી. વડાપ્રધાન મોદી (PM Modi)એ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, કોંગ્રેસે ભારતના બંધારણના ઘડવૈયા બીઆર આંબેડકરને 2 વખત ચૂંટણી નહોતી જીતવા દીધી અને તેમનું ભારત રત્નથી સન્માન પણ નહોતું કર્યું. બાબાસાહેબ આંબેડકરને 1990માં કેન્દ્રમાં ભાજપ સમર્થિત સરકાર બની ત્યાર બાદ જ ભારતનું સર્વોચ્ય નાગરિક સન્માન અપાયું હતું. 

 

Tags :