PM Modiએ રાંચીના રાજ ભવન ખાતે 1971ના યુદ્ધમાં વપરાયેલા ફાઈટર પ્લેનનું કર્યું અનાવરણ

આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાના જન્મ સ્થળ અલિહાતૂની મુલાકાત લઈને તેમની જયંતી પર પુષ્પાંજલિ અર્પિત કરી

Courtesy: Image: Twitter

Share:

 

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ માટેના ઝારખંડ પ્રવાસે છે. તેઓ મંગળવારે રાત્રે પોતાના વિશેષ વિમાન દ્વારા ઝારખંડની રાજધાની રાંચી ખાતે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીના રાંચી ખાતે આગમને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોએ ઝારખંડના પરંપરાગત નૃત્ય દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું. 

PM Modiએ ફાઈટર પ્લેનનું અનાવરણ કર્યું

રાંચી એરપોર્ટ ખાતે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને ઝારખંડના ભાજપ અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ તેમને રીસિવ કર્યા હતા. આ સિવાય ભાજપના અનેક કાર્યકરો પણ એરપોર્ટ ખાતે હાજર રહ્યા હતા. 

બુધવારના રોજ વડાપ્રધાન મોદીએ રાંચીના રાજ ભવન ખાતે મિગ-211 ફાઈટર પ્લેનનું અનાવરણ કર્યું હતું. આ પ્લેનનો ઉપયોગ 1971ના બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઝારખંડના રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. 

 

ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વડાપ્રધાન મોદી (PM Modi)ની પોતાના પરિવારના સદસ્યો સાથેની મુલાકાતની તસવીરો અને ફાઈટર પ્લેનની તસવીરો શેર કરી હતી. તે પહેલા વડાપ્રધાન મોદીએ ખૂંટી જિલ્લા ખાતે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાના જન્મ સ્થળ અલિહાતૂની મુલાકાત લઈને તેમની જયંતી પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી. 

ઝારખંડના રાજ્યપાલની પોસ્ટ

સીપી રાધાકૃષ્ણને લખ્યું હતું કે, "આજે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ રાજ ભવન ખાતે મિકોયાન ગુરેવિચ (મિગ-211) ફાઈટર પ્લેનનું અનાવરણ કર્યું જેને 1964માં ભારતીય વાયુ સેનામાં સામેલ કરવામાં આવ્યું હતું અને બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં તેનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો." આ સાથે જ તેમણે પોતાના પરિવારને મળવા બદલ અને ખાસ કરીને તેમના પૌત્ર-પૌત્રીઓ પર પ્રેમ વરસાવવા બદલ વડાપ્રધાન મોદી (PM Modi)નો આભાર માન્યો હતો. 

બિરસા મુંડાની જયંતી પર વિશેષ મુલાકાત

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા 15 નવેમ્બરની આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીના આ દિવસે વડાપ્રધાન મોદી તેમના પૈતૃક ગામે પહોંચ્યા હતા. ત્યાં તેમણે બિરસા મુંડાના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. 

 

દેશનો આદિવાસી સમુદાય બિરસા મુંડાને પોતાના ભગવાન માને છે. ત્યારે વડાપ્રધાન મોદીએ ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ પાઠવીને આદિવાસી સમુદાયને 24,000 કરોડની યોજનાઓની ભેટ આપી હતી. આ અવસરે પીએમ મોદીએ કહ્યું હતું કે ‘આદિવાસી ગૌરવ દિવસ’ એ ભારતના આદિવાસી સમુદાયોના દેશ પ્રત્યેના યોગદાનને સન્માનિત કરવાનો દિવસ છે.

બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંચી સ્થિત બિરસા મુંડા સંગ્રહાલય પહોંચીને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને બિરસા મુંડા જનજાતીય સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયની પણ મુલાકાત લીધી. ત્યાં તેમણે ‘ધરતી આબા કારાકક્ષ’ અને પરિસરમાં સ્થાપિત કરવામાં આવેલી અન્ય વીરગત યોધ્ધાઓની પ્રતિમાઓના દર્શન કર્યા હતા.