Punjab: વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક મામલે 1 એસપી, 2 ડીએસપી, 4 ઈન્સ્પેક્ટર સસ્પેન્ડ

સુરક્ષામાં ચૂક બાદ વડાપ્રધાનનું તમારા મુખ્યમંત્રીનો આભાર, હું જીવતો પાછો આવ્યો છું- આ વાક્ય ચર્ચિત બન્યું હતું

Courtesy: Twitter

Share:

Punjab: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2022માં પંજાબ (Punjab)ના પ્રવાસે હતા ત્યારે તેમની સુરક્ષામાં ભારે મોટી ચૂક જોવા મળી હતી. આ મામલે પંજાબના ગૃહ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.  

ગત વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીએ પંજાબના ફિરદૌસપુરની મુલાકાત લીધી હતી. તે સમયે તેમની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. આ મામલે છેલ્લા દોઢ વર્ષથી તપાસ ચાલી રહી હતી અને હવે તપાસ બાદ તત્કાલિન એસપી ગુરવિંદર સિંહ સાંગાને દોષી ઠેરવવામાં આવ્યા છે. ત્યારે પંજાબ પોલીસે મોટી કાર્યવાહી કરીને સાંગાને સસ્પેન્ડ કરી દેવાયા છે.


Punjabમાં વડાપ્રધાનની સુરક્ષા જોખમાઈ

પીએમ મોદી 5 જાન્યુઆરી, 2022ના રોજ રોડ માર્ગે ભટિંડાથી ફિરોઝપુર જઈ રહ્યા હતા ત્યારે ખેડૂતોએ તેમનો રસ્તો રોકી દીધો હતો. ત્યાર બાદ વડાપ્રધાનનો કાફલો ફિરોઝપુરના પ્યારેના ફ્લાયઓવર પર 20 મિનિટ માટે રોકાયો હતો. ભટિંડાના ભિસિયાણા એરપોર્ટ પર પહોંચ્યા બાદ વડાપ્રધાને "તમારા મુખ્યમંત્રીનો આભાર, હું જીવતો પાછો આવ્યો છું." આવું નિવેદન આપ્યું હતું અને સમગ્ર મુદ્દો ખૂબ જ ચર્ચિત બન્યો હતો. આ ફ્લાયઓવર ભારત-પાકિસ્તાનની હુસૈનીવાલા બોર્ડરથી થોડે દૂર આવેલો હતો અને ભાજપના નેતાઓએ આ મામલે ચરણજીત સિંહ ચન્નીની સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા.


પંજાબ સરકારની મોટી કાર્યવાહી

વડાપ્રધાનની સુરક્ષામાં જોવા મળેલી આ મોટી ચૂક મામલે તપાસ કરી રહેલી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિએ સુરક્ષા ભંગ માટે પંજાબ  (Punjab) સરકારના અનેક અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા. ત્યારે હવે ભગવંત માનની આગેવાનીવાળી વર્તમાન આમ આદમી પાર્ટી સરકારે સુરક્ષામાં ક્ષતિ મામલે 7 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. 

પંજાબ સરકારે ફિરોઝપુર જિલ્લાના પૂર્વ પોલીસ અધિક્ષક, 2 ડીએસપી અને 4 ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે. ફિરોઝપુરમાં વડાપ્રધાનની સુરક્ષામાં બેદરકારીને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિના રિપોર્ટમાં તત્કાલિન મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી અને ડીજીપી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. સમિતિએ 8 મહિના પહેલા ઓગસ્ટ 2022માં સુપ્રીમ કોર્ટ અને સરકારને આ રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટના આધારે કેન્દ્રએ સપ્ટેમ્બર 2022માં પંજાબ સરકારને દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે પત્ર લખ્યો હતો. 


એસપી સાંગા વિરૂદ્ધ કાર્યવાહી

સસ્પેન્શન બાદ ડીજીપી પંજાબે આ મામલે રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટ અનુસાર એસપી ગુરવિંદર સિંહ સાંગા વિરુદ્ધ આ કાર્યવાહી ગૃહ વિભાગના સચિવ ગુરુ કૃપાલ સિંહના આદેશ બાદ શરુ કરવામાં આવી હતી. ત્યારે તેમણે પોતાના આદેશમાં કહ્યું હતું કે, એસપી સાંગાએ ડીજીપી પંજાબની ઓફિસમાં રિપોર્ટ કરવો પડશે.

સાંગા હાલમાં પંજાબના ભટિંડાના એસપી પદ પર કામગીરી કરી રહ્યા છે. ત્યારે હવે સસ્પેન્ડ થયા બાદ તેમણે ડીજીપી ઓફિસ પંજાબમાં રિપોર્ટ કરવો પડશે. તે પરવાનગી વગર ઓફિસની બહાર નીકળી શકશે નહીં.