Under-19 માં ઝળક્યો રાહુલ દ્રવિડનો પુત્રઃ ધૂંઆધાર બોલિંગ કરીને વિપક્ષી બેટ્સમેનોને ભોંયભેગા કર્યા

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ દ્રવિડે તાજેતરમાં જ તેમના પુત્ર સમિતને કોચિંગ આપવા અંગે તેમના વિચારો શેર કર્યા છે. તેમણે કહ્યું હતું કે, 'હું મારા પુત્ર સમિતને કોચ નથી આપતો કારણ કે બે ભૂમિકાઓ (પિતા અને કોચ) ભજવવી મુશ્કેલ છે. હું પિતા બનીને ખુશ છું.

Share:

હાઈલાઇટ્સ

  • મુંબઈ વિરૂદ્ધ ફાઈનલમાં કર્ણાટકથી રમતા સમિતે પોતાની એક્સ્ટ્રીમ લેવલની જબરદસ્ત બોલિંગ કરી હતી
  • સમિત દ્રવિડે તાજેતરમાં જમ્મુ-કાશ્મીર સામે 98 રનની ઇનિંગ રમી હતી.

ભારતના મુખ્ય કોચ અને પૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડના દિકરા સમિત દ્રવિડે અંડર-19 કૂચ બિહાર ટ્રોફીની ફાઈનલમાં જોરદાર પર્ફોર્મન્સ આપ્યું છે. ક્રિકેટમાં જ પરંતુ પિતાથી અલગ કેડો કંડારીને સમિત દ્રવિડે ફાસ્ટ બોલર બનવાનું નક્કી કર્યું હતું. મુંબઈ વિરૂદ્ધ ફાઈનલમાં કર્ણાટકથી રમતા સમિતે પોતાની એક્સ્ટ્રીમ લેવલની જબરદસ્ત બોલિંગ કરી હતી અને વિપક્ષી બેટ્સમેનોને પેવેલીયન ભેગા કર્યા હતા. 

કર્ણાટકે મુંબઈ વિરૂદ્ધ ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં સમિતે 19 ઓવરમાં બે મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તેમણે ખતરનાક દેખાઈ રહેલા મુંબઈના આયુષ સચીન વર્તકને 73 રન પર આઉટ કર્યો હતો અને પછી પ્રતિક યાદવને 30 રન પર પેવેલીયનની દિશા બતાવી હતી. તેણે 19 ઓવરમાં 60 રન આપીને બે મેડન ઓવર ફેંકી અને 2 મહત્વની વિકેટ પણ લીધી હતી. મુંબઈની ટીમ 380 રન પરજ આઉટ થઈ ગઈ હતી. સમિતના બોલિંગ પ્રદર્શને સોશિયલ મીડિયા પર પ્રશંસકોનું ધ્યાન આકર્ષીત કર્યું છે. સોશિયલ મીડિયા પર દ્રવિડ પુત્ર સમિતના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. 

સમિતે મુંબઈ સામે તેના પહેલા સ્પેલમાં 10 ઓવર નાંખી અને 41 રન આપ્યા. જો કે આ પછી તેણે નવ ઓવરમાં માત્ર 19 રન આપ્યા અને બે વિકેટ લીધી. સમિત છેલ્લા કેટલાક સમયથી સમાચારોમાં છે. તેણે તાજેતરમાં જમ્મુ-કાશ્મીર સામે 98 રનની ઇનિંગ રમી હતી. કર્ણાટક તરફથી પાંચમા નંબર પર બેટિંગ કરતા તેણે 159 બોલમાં 98 રન બનાવ્યા હતા. જેમાં 13 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ટૂર્નામેન્ટની વર્તમાન સિઝનમાં સમિતે સાત મેચમાં 37.78ની એવરેજથી 340 રન બનાવ્યા છે. જેમાં ત્રણ અડધી સદીનો પણ સમાવેશ થાય છે. આ 18 વર્ષના ખેલાડીએ ત્રણ વિકેટ પણ લીધી છે.

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ દ્રવિડે તાજેતરમાં જ તેમના પુત્ર સમિતને કોચિંગ આપવા અંગે તેમના વિચારો શેર કર્યા છે. તેમણે કહ્યું હતું કે, 'હું મારા પુત્ર સમિતને કોચ નથી આપતો કારણ કે બે ભૂમિકાઓ (પિતા અને કોચ) ભજવવી મુશ્કેલ છે. હું પિતા બનીને ખુશ છું. તેમાં પણ મને ખબર નથી કે હું એ રોલમાં શું કરી રહ્યો છું. દ્રવિડ નવેમ્બર 2021થી ભારતના મુખ્ય કોચ છે. તાજેતરના ODI વર્લ્ડ કપ પછી તેમનો કરાર સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ BCCIએ તેમનો કાર્યકાળ લંબાવ્યો છે.