Rahul Gandhi: કોંગ્રેસી નેતા અને સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) મધ્ય પ્રદેશમાં ચૂંટણીલક્ષી જનસભાને સંબોધિત કરતી વખતે ખૂબ જ આક્રમક મિજાજમાં જોવા મળ્યા હતા. આ સાથે જ મંગળવારના રોજ તેમણે ભાજપ પર ધારાસભ્યોની ખરીદી કરીને 2020માં મધ્ય પ્રદેશમાં તેમની પાર્ટીની સરકારને પાડી દેવાનો પણ આરોપ લગાવ્યો હતો.
રાહુલ ગાંધીએ મંગળવારના રોજ રાજ્યની રાજધાનીથી આશરે 55 કિમી દૂર વિદિશા ખાતે એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, "કોંગ્રેસના પક્ષમાં તોફાની માહોલ સર્જાશે. પાર્ટી 145થી 150 બેઠકો જીતશે. 5 વર્ષ પહેલા તમે કોંગ્રેસની સરકારને ચૂંટી હતી પણ ભાજપના નેતા નરેન્દ્ર મોદી, શિવરાજ સિંહ અને અમિત શાહે ધારાસભ્યોને ખરીદી લીધા અને તમારી સરકારને ચોરી લીધી."
રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, કમલનાથના નેતૃત્વવાળી તત્કાલીન કોંગ્રેસ સરકારે (જે માર્ચ 2020 સુધી 15 મહિના માટે મધ્ય પ્રદેશમાં સત્તામાં હતી) 27 લાખ ખેડૂતોની કૃષિ લોન માફ કરી પણ તે સરકારને પાડી દઈને ભાજપે મજૂરો, ખેડૂતો, નાના વેપારીઓ અને બેરોજગારો સાથે દગો કર્યો.
વાયનાડના સાંસદે જણાવ્યું હતું કે, "મધ્ય પ્રદેશમાં તમે યુવાનોને પુછશો કે તમે શું કરો છો? તેમનો જવાબ હોય છે કે કશું નહીં. મોદીજી કહે છે કે, મધ્ય પ્રદેશમાં અમે 500 કારખાના ખોલ્યા છે, પણ મોદીજીએ ખોલેલું એક પણ કારખાનું દેખાતું નથી. હાલ મને ખબર પડી કે તમારા શહેરના વિકાસ માટે 1,700 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા પણ તમારા સુધી એક પણ રૂપિયો ન પહોંચ્યો. તમામ રૂપિયા ભાજપના ભ્રષ્ટ મંત્રીઓના ખિસ્સામાં ગયા."
નોંધનીય છે કે, મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 માટે મતદાનની તારીખ ખૂબ જ નજીક આવી ગઈ છે. મધ્ય પ્રદેશની 230 સદસ્યો ધરાવતી વિધાનસભા માટે આગામી 17 નવેમ્બરના રોજ મતદાન થશે.
મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જનસભા કરવા માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને કોંગ્રેસી નેતાઓનું નામ લીધા વગર જોરદાર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, મૂરખોના સરદારને દેશની ઉપલબ્ધિઓ ન જોવાની માનસિક બીમારી છે.
વધુમાં જણાવ્યું હતું કે, કાલે કોંગ્રેસના એક મહાજ્ઞાની કહી રહ્યા હતા કે, ભારતમાં સૌ લોકો પાસે મેડ ઈન ચાઈના મોબાઈલ ફોન હોય છે. સચ્ચાઈ એ છે કે, આજે ભારત વિશ્વમાં મોબાઈલ ફોનનું બીજું સૌથી મોટું નિર્માતા છે.