Tamilnadu: રેલવે એન્જિનિયર સ્ટાફે સમયસૂચકતા વાપરી મોટી ટ્રેન દુર્ઘટના ટાળી, 800નો જીવ બચાવ્યો

Tamilnadu: શ્રીવૈકુટુંબ રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના ટળી હતી. અહીં રેલવે એન્જિનિયર સ્ટાફે પોતાની સમયસૂચકતા વાપરીને ટ્રેનને ઉભી રખાવી હતી. ટ્રેક તૂટી ગયો હતો અને વરસાદી પાણીમાં ધોવાઈ ગયો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • રેલવે એન્જિનિયરના સ્ટાફે મોટી ટ્રેન દુર્ઘટના ટાળી
  • 800 પેેસેન્જર્સનો જીવ બચાવ્યો, ટ્રેક ધોવાઈ ગયો હતો
  • 12 કિમી લાંબો ટ્રેક રિપેર થતા પાંચ દિવસ લાગશે

મદુરાઈઃ શ્રીવૈકુટંબ રેલવે સ્ટેશન પર રવિવારની રાત્રે એક મોટી ઘટના બનતા અટકી હતી. ચેન્નાઈ જતી તિરુચેન્દુર એક્સપ્રેસને રોકવા માટે રેલવે
એન્જિનિયર સ્ટાફે સમયસૂચકતા વાપરી હતી. મોટી ટ્રેન દુર્ઘટના ટાળી હતી. ઘટના એવી હતી કે, રેલવેનો ટ્રેક ધોવાઈ ગયો હતો. રેલવે ટ્રેકની નીચે ગાબડું પડ્યું હતુ અને પાણી વહી રહ્યું હતું. ભારે વરસાદના પગલે આ ટ્રેક ધોવાઈ ગયો હતો. જો કે, રેલવે એન્જિનિયર સ્ટાફે સમયસૂચકતા વાપરી હતી અને શ્રીવૈકુટુંબ રેલવે સ્ટેશન પર ટ્રેનને ઉભી રખાવી હતી અને 800 જેટલાં પેસન્જરનો જીવ બચાવ્યો હતો. 

સતર્કતાથી બચ્યા 800ના જીવ 
તામિલનાડુમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા છે. અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. ત્યારે રેલવે સેવા પણ ખોરવાઈ હતી. જાણવા મળ્યું કે, 12 કિમી સુધીનો ટ્રેક ધોવાઈ ગયો છે. વરસાદી પાણી અને ટ્રેક નીચેથી માટી ધોવાઈ ગઈ હતી. ટ્રેક માત્ર લટકી રહ્યા હતા. આ ટ્રેન રવિવારે રાત્રે લગભગ 8.30 વાગે તિરુચેન્દુર રેલવે સ્ટેશન પરથી રવાના થઈ હતી. આ ટ્રેનમાં 800 જેટલાં પેસેન્જર હતા અને તેઓને શ્રીવૈકુટુંબ રેલવે સ્ટેશન પર રોકવામાં આવી હતી. આખી રાત વરસાદ વચ્ચે મુસાફરોને ત્યાં જ કાઢવી પડી હતી. એ પછી 300 જેટલાં યાત્રીઓને એક સ્કૂલમાં ઉભા કરવામાં આવેલા રાહત કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. 

સ્ટેશન સુધી પહોંચવા માટે સંઘર્ષ
રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અમારા સ્ટાફે સ્ટેશન પર ફસાયેલા લોકોને જમવા સહિતની વ્યવસ્થા પુરી પાડવા માટે પ્રયાસો કર્યા હતા. સ્ટેશન સુધી પહોંચવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. કારણ કે સ્ટેશનની ચારેકોર પાણી ભરાઈ ગયુ હતુ. 

પાંચ દિવસ લાગશે 
મુસાફરો સુધી જમવાનું પહોંચાડવા માટે વાયુ સેનાની મદદ લેવામાં આવી હતી. હેલિકોપ્ટર દ્વારા તેઓને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આસપાસમાં વીજળીના મોટા થાંભલા પણ ધરાશાયી થઈ ગયા હતા. જ્યારે આ પાણી ઉતરશે ત્યારે રેલવેના ટ્રેકનું રિપેરિંગ કામ હાથ ધરાશે. જ્યાં સુધી આ કામ પુરુ ન થાય ત્યાં સુધી રેલવે સેવા ઠપ રહેશે. આ કામ પુરુ કરવામાં ઓછામાં ઓછા પાંચ દિવસ લાગશે.