S Jaishankar: ભારતીય વ્યૂહાત્મક વિચારની જરૂરિયાત અને સંસ્કૃતિ અંગે કરી મહત્વની વાત

અફઘાનિસ્તાન સાથેની આપણી સરહદ પર શીખ સેનાના કમાન્ડર-ઈન-ચીફ નલવા અંગે અમેરિકાને જાણ નથી

Courtesy: Twitter

Share:

S Jaishankar: વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) શનિવારના રોજ ભારતીય વ્યૂહાત્મક વિચાર અને વિશ્વમાં રાજકીય પુનઃસંતુલન વિશે વાત કરી હતી. પુણે ખાતે આયોજિત ઈન્ટરનેશનલ રિલેશન કોન્ફરન્સ 2023ને સંબોધતી વખતે જયશંકરે વિશ્વને શા માટે ભારતીય વ્યૂહાત્મક વિચારની જરૂર છે તે અંગે વાત કરી હતી. કોન્ફરન્સની થીમ 'ઈન્ડિયાઝ સ્ટ્રેટેજિક કલ્ચરઃ એડ્રેસિંગ ગ્લોબલ એન્ડ રિજનલ ચેલેન્જિસ' હતી

પોતાના સંબોધનમાં વિદેશ મંત્રીએ જણાવ્યું કે, આ વર્ષે અમે G20નું આયોજન કર્યું, જે પુનઃસંતુલનનું સ્ટેટમેન્ટ છે. લગભગ 15 વર્ષ પહેલાં જ્યારે વૈશ્વિક નાણાકીય કટોકટી હતી ત્યારે G7 પોતાની રીતે સમસ્યાઓને હેન્ડલ નહોતું કરી શક્યું અને પછી તે ભારત અને ચીન સહિત અન્ય દેશો પાસે આવ્યું હતું. અને એટલે જ G7 જે હજું પણ અસ્તિત્વ ધરાવે છે પણ તેનું સ્થાન G20એ લઈ લીધું છે.  


S Jaishankarની સંસ્કૃતિ મુદ્દે રજૂઆત

વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે ભારતીય શક્તિઓ સાથે આંતરરાષ્ટ્રીય સંબંધોને આકાર આપવાની હિમાયત કરી હતી. આ માટે તેમણે દેશની સંસ્કૃતિ અને જ્ઞાન ભંડારને વધુ સમય આપવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, "સવાલ ભારતની વ્યૂહાત્મક સંસ્કૃતિને વિકસાવવાનો છે. જો આપણે ભારતીય શક્તિઓ સાથે આંતરરાષ્ટ્રીય સંબંધો બાંધવા માંગતા હોઈએ, તો શું એ મહત્વનું નથી કે આપણે આપણી સંસ્કૃતિ, જ્ઞાન અને પરંપરાઓના ભંડારને ખરેખર જાણવા માટે વધુ સમય, ધ્યાન અને શક્તિ ફાળવીએ?"

લાંબી રાજદ્વારી કારકિર્દી ધરાવતા મંત્રી એસ જયશંકરે (S Jaishankar) અફઘાનિસ્તાન અંગે અમેરિકાની સમજણ પર બ્રિટનના નરેટિવના પ્રભાવને પણ પ્રકાશિત કર્યો હતો અને વૈવિધ્યસભર સંસ્કૃતિઓના લેન્સ દ્વારા ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓને જોવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. 

આ માટે તેમણે અફઘાનિસ્તાનને લઈને તેમના અમેરિકન સમકક્ષો સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. 
તેમણે જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં 20 વર્ષ રહ્યા પછી પણ અમેરિકન સમજ બ્રિટનના નરેટિવથી પ્રભાવિત હતી. વાસ્તવમાં, મેં ખરેખર તેમને સવાલ કર્યો હતો કે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે પેશાવર જ્યાં છે તે શા માટે છે? બ્રિટનનું વસાહતી બાંધકામ ત્યાં હતું, તો શું ખરેખર ત્યાં ડ્યુરન્ડ લાઈન હતી? ડ્યુરન્ડ લાઈન એ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ રેખા છે.

 

ચર્ચિલના એક નિવેદનને કર્યું યાદ


એસ જયશંકરે જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં જીવન વિતાવનારા લોકોએ મહારાજા રણજીત સિંહના સામ્રાજ્યના મહાન શીખ યોદ્ધા હરિ સિંહ નલવા જેવા વ્યક્તિત્વ વિશે ક્યારેય સાંભળ્યું નથી. નલવા અફઘાનિસ્તાન સાથેની આપણી સરહદ પર શીખ સેનાના કમાન્ડર-ઈન-ચીફ હતા. પશ્ચિમી વિદ્વાનોને અખંડ ચીનના પાંચ હજાર વર્ષ જૂના ઈતિહાસને સ્વીકારવામાં કોઈ વાંધો નથી, પરંતુ તેમાંથી ઘણા ભારતને સમાન વિશેષાધિકાર નહીં આપે. હકીકતમાં આનું ઉદાહરણ ખુદ ચર્ચિલ પોતે પણ હતા, જેમણે કહ્યું હતું કે ભારત વિષુવવૃત્તથી આગળ એક દેશ નથી.