સ્કૂલની અમાનવીય તસવીરઃ Karnatakaમાં દલિત વિદ્યાર્થીઓને ગટરમાં ઉતારી ગંદુ સાફ કરાવડાવ્યું

કર્ણાટક વિધાનસભાના સભ્ય બસનગૌડા પાટિલ યતનલાલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક શરમજનક વીડિયો શેર કર્યો છે. આ ઘટનાએ સમગ્ર સમાજને હચમચાવી નાખ્યો છે. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ગટરમાં ઉતારવામા આવ્યા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • કર્ણાટકની એક સ્કૂલમાં દલિત વિદ્યાર્થીઓને ગટરમાં ઉતાર્યા
  • ગટરનું ગંદુ વિદ્યાર્થીઓ પાસે સાફ કરાવ્યું, વીડિયો થયો વાયરલ
  • પ્રિન્સિપાલ અને શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા

કોલાકઃ શિક્ષણ એ વિદ્યાનું ધામ કહેવાય છે. બાળકોના હાથમાં નોટબુક કે ચોપડી હોય છે. ત્યારે કર્ણાટકની એક સ્કૂલે વિદ્યાર્થીઓને હાથમાં ઝાડુ પકડાવી દીધા હતા. આ સ્કૂલના શિક્ષકોએ વિદ્યાર્થીઓને ગટરમાં ઉતાર્યા હતા અને અંદરનું ગંદુ સાફ કરાવડાવ્યું હતું. જો કે, આ ઘટના કોઈએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી અને પછી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જે બાદ સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક કાર્યવાહી કરીને પ્રિન્સિપાલ અને શિક્ષકોને સસ્પેન્ડ કરી દીધા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. 

આ સ્કૂલની છે ઘટના
આ ઘટના કર્ણાટકના કોલાકમાં આવેલી મોરારજી દેસાઈ આવાસીય વિદ્યાલયની છે. જ્યાં સ્કૂલના વિદ્યાર્થીઓને ગટરમાં ઉતરાવીને સાફ સફાઈ કરાવવામાં આવતી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામા ખૂબ વાયરલ થયો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં પણ ભારે રોષ છવાયો છે. માતા-પિતાઓ પણ સ્કૂલ સામે પોતાનો રોષ ઠાલવી રહ્યાં છે. 

સસ્પેન્ડ કરી દેવાયા 
આ ઘટના સામે આવ્યા બાદ રાજ્ય સમાજ કલ્યાણ વિભાગ પણ દોડતું થયુ હતુ અને સ્કૂલની મુલાકાત લીધી હતી. બીજી તરફ, સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકોને પણ સસ્પેન્ડ કરી દેવાના રિપોર્ટ સામે આવ્યા છે. જો કે, આ સ્કૂલમાં વોર્ડન નથી. પોલીસનું કહેવું છે કે, આ સાફ સફાઈનું કામ બીજી કોઈ એજન્સીને સોંપવામાં આવ્યું હતું કે નહીં એની તપાસ કરાશે. જો કે, હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી. થશે તો કાર્યવાહી હાથ ધરાશે. 

ઉત્તરાખંડમાં પણ આવું બન્યુ હતુ 
થોડા સમય પહેલાં ઉત્તરાખંડમાં પણ આવી જ એક ઘટના બની હતી. ઉત્તરાખંડના હરિદ્વારમાં સ્કૂલના બાળકો પાસે ટોયલેટ સાફ કરાવવામાં આવી હતી. ત્યારે ફરી આવી ઘટના બનતા સ્કૂલ પર વધુ એક કલંક લાગ્યું છે. લોકો પણ સ્કૂલ પર પોતાનો રોષ ઠાલલી રહ્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.