PM Modiના વખાણ કરતાં જોવા મળી શેહલા રશીદ, અગાઉ કાશ્મીરના પથ્થરબાજોનું સમર્થન કરતી હતી

એક સમયે કલમ 370 નાબૂદીનો વિરોધ કરનારા શેહલાએ કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ માટે મોદી સરકારનો આભાર માન્યો

Courtesy: Image: Twitter

Share:

PM Modi: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ના પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રશીદ વડાપ્રધાન મોદી (PM Modi)ના પ્રશંસક બની રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. છેલ્લા એક મહિનામાં બીજી વખત તેમણે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી છે. મંગળવારના રોજ એક ઈન્ટરવ્યુ દરમિયાન શેહરા રશીદે કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ માટે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

નોંધનીય છે કે, શેહલા રશીદ દ્વારા ભૂતકાળમાં કાશ્મીરના પથ્થરબાજો માટે સહાનુભૂતિ દર્શાવવામાં આવી હતી. શેહલા રશીદને જ્યારે શું તેઓ ભૂતકાળમાં પથ્થરબાજો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા તેવો સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે 2010માં તેઓ એ પ્રકારનો મત ધરાવતા હતા તેમ સ્વીકાર્યું હતું. 

કલમ 370 નાબૂદી મામલે PM Modiની પ્રશંસા

થોડા સમય પહેલા શેહલા રશીદે શ્રીનગરનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને મોદી સરકારના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે શહેરની કાયાપલટ જોઈને સારું લાગ્યું. શેહલા રશીદે જણાવ્યું હતું કે આ પદયાત્રીઓ અને શહેરના યોગ્ય વિકાસ માટે કરાયેલા કામોની તસવીરો છે. સરકારે તમામ વર્ગોનું ધ્યાન રાખ્યું છે.

 

તાજેતરના ઈન્ટરવ્યુ દરમિયાન શેહલા રશીદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કાશ્મીર એ ગાઝા નથી. મોદી સરકારે કાશ્મીરમાં સારું કામ કર્યું છે. અહીંની વર્તમાન સ્થિતિ ઘણી સારી છે અને અમે કાશ્મીરીઓ તેનાથી ખૂબ જ ખુશ છીએ.

 

શેહલા રશીદે જણાવ્યું હતું કે, કાશ્મીરની વર્તમાન રાજકીય અને સામાજીક પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને તે જોઈને આનંદ થાય છે. કાશ્મીરમાં બદલાયેલી પરિસ્થિતિ માટે તેઓ ખૂબ જ આભારી છે. કાશ્મીર ગાઝા નથી. આ સ્પષ્ટ થઈ ગયું છે કારણ કે કાશ્મીર માત્ર વિરોધ પ્રદર્શનમાં સામેલ હતું. વિદ્રોહ અને ઘૂસણખોરીના છૂટાછવાયા બનાવો બનતા રહ્યા હતા. કોઈએ તો આ બધુ થતુ અટકાવવાનું હતું. વર્તમાન મોદી સરકારે તેમ કર્યું છે.

વડાપ્રધાનને ગણાવ્યા નિઃસ્વાર્થ માણસ

એક સમયે જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને પાછો ખેંચી લેવાના સરકારના નિર્ણયનો વિરોધ કરનારા શેહલા રશીદે વડાપ્રધાન મોદી (PM Modi)ની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તેઓ ટીકાની પરવા નથી કરતા અને પોતાની લોકપ્રિયતાના ભોગે પણ અનેક મહત્વના નિર્ણયો લે છે. તેઓ એક નિઃસ્વાર્થ વ્યક્તિ છે અને રાષ્ટ્રીય હિત માટે કામ કરી રહ્યા છે. આ સાથે જ તેમણે ગૃહમંત્રીએ કાશ્મીરમાં શાંતિ સુનિશ્ચિત કરી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

 

શેહલાના કહેવા પ્રમાણે જેએનયુની કેટલીક ઘટનાએ કન્હૈયા કુમારનું, ઓમર ખાલિદનું અને તેમનું જીવન બદલી નાખ્યું અને સમગ્ર યુનિવર્સિટીએ પણ તેનો ભોગ બનવું પડ્યું હતું. પણ ત્યાં ‘ભારત તેરે ટુકડે હોંગે’ જેવા નારા નહોતા લગાવવામાં આવ્યા. શેહલાએ ત્યાં લાલ સલામ જેવા સામાન્ય નારા લાગ્યા હોવાનો ખુલાસો કર્યો હતો.