Bilodara Syrup kand: આખરે કેવી રીતે થયા 5 લોકોના મોત? PM રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આયુર્વેદિક સિરપ પીવાથી પાંચ લોકોના મોત થયા છે. આયુર્વેદિક સિરપમાં મિથાઈલ આલ્કોહોલ હોવાના કારણે 5 લોકોના મોત થયા હોવાનું પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું છે. સરકારે આ મામલે તપાસના આદેશ આપતા પોલીસે 5 લોકો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • બિલોદરા સિરપકાંડમાં પોલીસે 5 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો
  • મિથાઈલ અલ્કોહોલ-પોઈઝનિંગથી મોત થયાનો PM રિપોર્ટમાં ખુલાસો

નડિયાદ: ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના બિલોદરા ગામે થયેલા સિરપકાંડે આખા ગુજરાતમાં ભારે ચકચાર મચાવી દીધી છે. આ કાંડમાં કુલ 5 લોકોના મોત થયા છે. ઘટના બાદ 5માંથી ચાર લોકોના અંતિમ સંસ્કાર તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ વગર જ કરાવી દીધા હોવાની વાત સામે આવી છે. જ્યારે પાંચમાં વ્યક્તિના અંતિમ સંસ્કાર થાય તે પહેલા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. જેમાં તેના મૃત્યુનું કારણ મિથાઈલ આલ્કોહોલ અને પોઈઝનિંગને કારણે થયું હોવાનું સામે આવ્યું છે. જેથી અન્ય 4 લોકોના મોતનું સંભવિત કારણ પણ પોઈઝનિંગ અને મિથાઈલ એલ્કાહોલ હોઈ શકે છે. આ કેસમાં પોલીસ દ્વારા SITની રચના કરવામાં આવી છે અને તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં તપાસનો રેલો હવે બિલોદરાથી વડોદરા જિલ્લા સુધી પહોંચ્યો છે અને આ કેસમાં પોલીસે વડોદરાના બે અને નડિયાદના 3 મળી કુલ 5 લોકો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આરોપીઓ સામે સદોષ માનવવધનો ગુનો દાખલ

સિરપકાંડમાં નડિયાદ SOGએ  કુલ 5 આરોપીઓ સામે સદોષ માનવવધ સહિતના ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીમાં નીતિન કોટવાણી, ભાવેશ સેવકાણી, યોગેશ સિન્ધી, નારાયણ ઉર્ફે કિશોર સોઢા અને ઈશ્વર સોઢાનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઉપરોક્ત આરોપીઓ સામે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં કલમ, 304, 308, 328, 465, 468, 471, 274, 275, 276, 34 અને 201 ઉપરાંત પ્રોહિબિશનની કલમ 65-A મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.

5 લોકોના મોત બાદ પોલીસ અને ફૂડ વિભાગ જાગ્યું

બિલોદરા ગામે થયેલા સિરપકાંડમાં પાંચ લોકોના મોત બાદ પોલીસ અને ફૂડ વિભાગ ઊંઘમાંથી સફાળું જાગીને ઠેર-ઠેર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર અને મહેસાણા સહિત રાજ્યમાં 700થી વધુ સ્થળોએ રેડ કરીને લાખો રૂપિયાનો સિરપનો જથ્થો જપ્ત કરીને તપાસ માટે મોકલ્યો હતો. ઘટનાને પગલે આગામી દિવસોમાં પણ પોલીસ અને ફૂડ વિભાગની દરોડાની કાર્યવાહી ચાલુ રહેશે તેવું જાણવા મળ્યું છે.

આરોપીઓ સામે સરકાર શું પગલાં લેશે?

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં રાજ્યના બોટાદ જિલ્લામાં પણ કથિત લઠ્ઠાકાંડની ઘટના બની હતી. જેમાં એક એક કરીને 50થી વધુ લોકોના મોત થયા હતા. એટલું જ નહીં દારુબંધીવાળા ગુજરાતમાં અગાઉ પણ લઠ્ઠાકાંડની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે. હવે તાજેતરમાં ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના બિલોદરા ખાતે બનેલી સિરપકાંડની ઘટનામાં પોલીસ અને સરકાર આરોપીઓ સામે કેવા પગલાં લેશે અને મૃતકોના પરિવારજનોને ન્યાય મળશે કે કેમ... તે આગામી સમયમાં જોવાનું રહેશે.