Sonia Gandhi દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને લઈ ડૉક્ટર્સની સલાહ પર જયપુર પહોંચ્યા

અગાઉ 2020માં સોનિયા ગાંધીની છાતીમાં સંક્રમણ વધી ગયું હતું ત્યારે તેઓ થોડા સમય માટે ગોવા શિફ્ટ થયા હતા

Courtesy: Image: Twitter

Share:

 

Sonia Gandhi: દિલ્હીમાં વાયુ પ્રદૂષણની ગંભીર પરિસ્થિતિને અનુલક્ષીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) થોડા સમય માટે રાજસ્થાનના પાટનગર જયપુરમાં જ રહેશે. સોનિયા ગાંધીને શ્વાસની તકલીફ છે અને દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે માટે ડૉક્ટર્સે તેમને આવા વાતાવરણથી દૂર રહેવાની સલાહ આપી છે. 

 

આ કારણે જ લાંબો સમય હોસ્પિટલમાં વિતાવ્યા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી મંગળવારે હોસ્પિટલમાંથી રજા મળી એટલે અચાનક જ જયપુર પહોંચ્યા હતા. સોનિયા ગાંધી કેટલો સમય જયપુરમાં વિતાવશે તે નક્કી નથી પરંતુ તેઓ લક્ઝરી હોટેલ રાજવિલાસમાં રોકાણ કરી રહ્યા છે. 

જયપુર શિફ્ટ થયા Sonia Gandhi

દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણના કારણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી રહ્યું છે. આ કારણે તેઓ થોડા દિવસો માટે જયપુર શિફ્ટ થઈ ગયા છે. રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ ખૂબ જ હાનિકારક સ્તરે પહોંચ્યું છે. સોનિયા ગાંધીને પહેલાથી જ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી માટે ડૉક્ટર્સે તેમને થોડા દિવસો માટે એવી જગ્યાએ જવા કહ્યું છે જ્યાં હવાની ગુણવત્તા સારી હોય.

 

મંગળવારે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી (Sonia Gandhi)એ દિલ્હીના શાંતિવન મેમોરિયલ ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ દરમિયાન પણ સોનિયા ગાંધીએ પ્રદૂષણથી બચવા માસ્ક પહેરી રાખ્યું હતું.

અગાઉ ગોવામાં રોકાણ કર્યું હતું

આ કોઈ પહેલી વખત નથી કે, દિલ્હીના પ્રદૂષણથી બચવા માટે સોનિયા ગાંધીએ બહાર જવું પડ્યું હોય. અગાઉ 2020માં પણ ભારે વાયુ પ્રદૂષણ અને હવાની ખરાબ ગુણવત્તાના કારણે સોનિયા ગાંધીની છાતીમાં સંક્રમણ વધી ગયું હતું અને ડૉક્ટર્સે તેમને દિલ્હીની બહાર રહેવાની સલાહ આપી હતી. જેથી તેઓ થોડા સમય માટે ગોવા શિફ્ટ થયા હતા. 

દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ

દિલ્હીમાં મંગળવારે હવાની ગુણવત્તાનું સ્તર ખૂબ જ ખરાબ રહ્યું હતું. દિલ્હીમાં સવારે 8:00 વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ 363 નોંધાયો હતો જે ખૂબ જ નબળી ગુણવત્તા સૂચવે છે. સોમવારે સવારે AQI 275 જેટલો નોંધાયો હતો જે ધીમે ધીમે વધીને 4:00 વાગ્યા સુધીમાં 358 થઈ ગયો હતો. 

 

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ જયપુર એરપોર્ટ ખાતે જણાવ્યું હતું કે, દિલ્હીના વાયુ પ્રદૂષણના કારણે  સોનિયા ગાંધી (Sonia Gandhi) જયપુર આવ્યા છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી જીતશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. જયપુરમાં સોનિયા ગાંધીના આગમન બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ તેમને મળવા માટે પહોંચ્યા હતા.