Jamnagar: સજાતીય સંબંધના વિવાદમાં વિદ્યાર્થીની હત્યા, ઈન્જેક્શન આપીને સળગાવી દીધો

જામનગરમાં સજાતિય સંબંધમાં વિવાદ થતાં બે મિત્રોએ ધોરણ 11માં ભણતા 16 વર્ષીય વિદ્યાર્થીની હત્યા કર્યા બાદ સળગાવી દીધો હોવાની ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ કેસમાં પોલીસે સીસીટીવીના આધારે બંને આરોપીઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • જામનગરમાં વિદ્યાર્થીની હત્યા, કિડનેપ કરી ટૂંપો આપીને ઈન્જેક્શન આપીને પતાવી દીધો
  • સજાતિય સંબંધમાં વિવાદ થતાં બે મિત્રોએ મળી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું

રાજકોટ: જામનગરમાં સગીરના અપહરણના કેસની તપાસમાં ખોફનાક હત્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં ખાસ મિત્ર જ અપહરણ કરીને લઈ ગયો અને બાદમાં અન્ય મિત્ર સાથે મળીને ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીને ઈન્જેક્શન આપ્યા બાદ તેને સળગાવી દઈને મોતને ઘાટ ઉતાર્યો હતો. પરિવારની ફરિયાદના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર 4 દીકરીઓ બાદ જન્મેલા હાર્દિકની હત્યાથી માતા અને પરિવારજનોએ હોસ્પિટલમાં વલોપાત કર્યો હતો અને સાથે જ વ્હાલસોયા દીકરાના હત્યારાઓને ફાંસી થાય તેવી પણ માંગણી કરી હતી.

સજાતિય સંબંધના વિવાદમાં હત્યા કર્યાનું સામે આવ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં મોહનનગર આવાસ યોજનામાં રહેતા સગીરનું તેના ખાસ મિત્ર સહિત બે શખસોએ અપહરણ કરીને શહેરથી દૂર સુવરડા ગામની સીમમાં લઈ જઈ હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને સળગાવી દીધી હતી. સમગ્ર મામલે પોલીસે કહ્યું કે, આરોપીઓને તરૂણ સાથે સજાતિય સંબંધ અથવા એક પ્રકારના આકર્ષણને લીધે રિલેશનશીપ હોવાની વાત સામે આવી છે. જેમાં વિવાદ થતાં તરૂણને એકાંત જગ્યાએ લઈ જઈને ઈન્જેક્શન આપી બેભાન કર્યો હતો અને બાદમાં તેને સળગાવી દીધો હતો.

આરોપીઓ કેવી રીતે ઝડપાયા?

જામનગરમાં રહેતો અને ઘોરણ-11માં અભ્યાસ કરતો સગીર સવારે પોતાની સ્કૂલે જવા નીકળ્યો હતો. જો કે, સાંજ સુધી પરત ઘરે ન ફરતા પરિવારને તેની શોધખોળ હાથ ધરી હતી. જો કે, મોડે સુધી તેની ક્યાંય કોઈ ભાળ ન મળતા પરિવારે આખરે સ્થાનિક પોલીસની મદદ માંગી હતી. જેમાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને સગીરની શોધખોળ શરૂ કરી હતી. તરૂના ઘર પાસેના રોડ પર લાગેલા સીસીટીવી ફૂટેજ સ્કેન કરતા તે તેના મિત્રની બાઈક પાછળ બેસીને જતો જોવા મળ્યો હતો.

લાશ મળ્યા બાદ પોલીસે સગીરના બે મિત્ર શુભમ પરમાર અને કુશાલ બારોટની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં બંને હત્યા કરી હોવાની કબૂલાત કરતા બધા ચોંકી ઉઠ્યા હતા. હત્યા પરથી પડદો ઉચકાયા બાદ પોલીસે શુભમ અને કુશાલની ધરપકડ કરીને વધુ પુછપરછ કરતા બંને આરોપીઓએ મૃતક સાથે સજાતિય સંબંધ અને આકર્ષણ હોવાની તેમજ વાદ-વિવાદ થતાં હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. સમગ્ર મામલે પોલીસે બંને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.