સહારા ગ્રુપના પ્રમુખ Subrata Royનું 75 વર્ષની ઉંમરે અવસાન, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

એક સમયના ભારતના 10 સૌથી શક્તિશાળી લોકોમાં રોયનું નામ સામેલ હતું

Courtesy: Image: Twitter

Share:

 

Subrata Roy: સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોય (Subrata Roy)નું મંગળવારે રાત્રિના સમયે મુંબઈ ખાતે અવસાન થયું હતું. તેઓ ઘણાં લાંબા સમયથી  ગંભીર રીતે બીમાર હતા અને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બુધવારના રોજ તેમના પાર્થિવ દેહને લખનઉ લઈ જવાશે, જ્યાં તેમના અંતિમ દર્શન રાખવામાં આવશે.

કાર્ડિયોરેસ્પીરેટરી અરેસ્ટથી Subrata Royનું અવસાન

પ્રખ્યાત ઉદ્યોગપતિ સુબ્રત રોયનું મંગળવારે 14 નવેમ્બરની રાત્રે 10.30 વાગ્યે મુંબઈમાં 75 વર્ષની વયે અવસાન થયું હતું. સહારા ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સુબ્રત રોય મેટાસ્ટેટિક સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી પીડિત હતા. 

 

મંગળવારે રાત્રે કાર્ડિયોરેસ્પીરેટરી અરેસ્ટના કારણે તેમનું અવસાન થયું હતું. તેમને 12 નવેમ્બરથી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જામીન પર બહાર હતા સુબ્રત રોય

ઘણા વર્ષોથી પટના હાઈકોર્ટમાં સહારા ઈન્ડિયા વિરુદ્ધ લોકોના પૈસા ન ચૂકવવા બદલ કેસ ચાલી રહ્યો છે. લોકોએ આ પૈસા કંપનીની ઘણી યોજનાઓમાં રોક્યા હતા પરંતુ બાદમાં સહારાશ્રીને આ મામલે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી હતી.

 

ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે તરત જ સુનાવણી કરીને પટના હાઈકોર્ટના ધરપકડના આદેશ પર રોક લગાવી દીધી હતી. તેમજ તેમની સામે આગળની કોઈપણ કાર્યવાહી અંગે યથાસ્થિતિ જાળવી રાખવાના આદેશો આપ્યો હતો. સુબ્રત રોય (Subrata Roy) સામે પણ આવો જ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. તે જામીન પર બહાર હતા. તે જ સમયે, રોકાણકારોના પૈસા પરત કરવા અંગે સહારા ઈન્ડિયાનો દાવો છે કે તેઓ સંપૂર્ણ રકમ સેબીમાં જમા કરાવી ચૂક્યા છે.

સુબ્રત રોયના અંગત જીવન વિશે

સુબ્રત રોયનો જન્મ 10 જૂન, 1948ના રોજ બિહારના અરરિયામાં થયો હતો. તેમના પિતાનું નામ સુધીર ચંદ્ર રોય અને માતાનું નામ છવી છે. તેમનું શાળાકીય શિક્ષણ હોલી ચાઈલ્ડ સ્કૂલમાંથી થયું હતું. આ પછી તેમણે ગોરખપુરની સરકારી ટેક્નિકલ સંસ્થામાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હતું. સુબ્રત રોય તેમના પત્ની સ્વપ્નાને કોલકાતામાં એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા.

 

સહારા ગ્રુપના પ્રમુખ બન્યા તે પહેલા તેમણે લાંબો સમય રિયલ એસ્ટેટ સેક્ટરમાં વિતાવ્યો હતો. તેમની પાસે રિયલ એસ્ટેટનો 18 વર્ષનો અનુભવ તેમજ 32 વર્ષનો વ્યાપક બિઝનેસ અનુભવ હતો. આ સાથે જ એક સમયના ભારતના 10 સૌથી શક્તિશાળી લોકોમાં રોયનું નામ સામેલ હતું. 

 

સહારાશ્રી તરીકે ઓળખાતા સુબ્રત રોય (Subrata Roy)ને 2 પુત્રો છે, શુશાંતો રોય અને સીમંતો રોય. 2004માં સુબ્રત રોયે લખનૌના એક સ્ટેડિયમમાં તેમના 2 પુત્રોના લગ્ન કરાવ્યા હતા જેમાં તેમણે લગભગ 500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ લગ્નમાં રાજનીતિ, ગ્લેમર, સ્પોર્ટ્સ અને બિઝનેસ જગતની સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. જેમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રોય, અનિલ અંબાણી અને મુલાયમ સિંહ જેવી હસ્તિઓએ ભાગ લીધો હતો.