ઈતિહાસ બન્યો Article 370: 4 વર્ષ બાદ મોદી સરકારના નિર્ણય પર વાગી સુપ્રીમ કોર્ટની મહોર

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય પીઠે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370ને નાબૂદ કરવાની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. ત્યારે મોદી સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે મહોર મારી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • મોદી સરકારના નિર્ણય પર વાગી સુપ્રીમ કોર્ટની મહોર
  • આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો
  • 23 અરજી સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય આપ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાંથી મોદી સરકારને એક મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયને એમને એમ રાખ્યો હતો. સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. તેની કોઈ આંતરિક સંપ્રભુતા નથી. 5 ઓગસ્ટ 2019માં મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દીધો હતો. સાથે જ રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે ભાગમાં વહેંચી દીધા હતા. 

રાજ્યને બે ભાગમાં વહેંચ્યું 
જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યો ત્યારે તેનો ભારે વિરોધ થયો હતો. સાથે જ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે ભાગમાં વહેચી દેવામાં આવ્યા હતા. બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટમાં 23 જેટલી અરજીઓ કરવામાં આવી હતી. તમામ અરજીઓ સાંભળ્યા બાદ સપ્ટેમ્બરમાં નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 

ચાર વર્ષ, ચાર મહિના અને છ દિવસ 
ચાર વર્ષ ચાર મહિના અને છ દિવસ બાદ મોદી સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે પોતાની મહોર મારી છે. જજોએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના બંધારણમાં સંપ્રુભતાનો કોઈ ઉલ્લેખ નહોતો. જો કે, ભારતના બંધારણમાં પ્રસ્તાવનામાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. ભારતીય બંધારણ આવ્યા બાદ જમ્મુ-કાશ્મીર પર આર્ટિકલ 370 લાગુ થયો હતો. 

ચૂંટણી કરવા નિર્દેશ 
આ નિર્ણય સાથે સુપ્રીમ કોર્ટની બેન્ચે ભારતના ચૂંટણી પંચને સપ્ટેમ્બર, 2024 સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે. જેથી હવે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પંચ ચૂંટણીની તૈયારીઓ શરુ કરશે. જે દરમિયાન તમામ પક્ષો ફરીથી સક્રીય થશે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરની ચૂંટણી ખૂબ જ મહત્વ ધરાવે છે. 

કોર્ટે શું કહ્યું? 
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આર્ટિકલ 370 એક અસ્થાયી સુવિધા હતી. જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. જમ્મુ-કાશ્મીર પાસે કોઈ આંતરિક સંપ્રભુતા નહોતી. એટલે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, આર્ટિકલ 370 હટાવવો એ યોગ્ય છે કે અયોગ્ય.