Tamil Nadu: ભારે વરસાદના લીધે ચેન્નાઈની તમામ શાળાઓ બંધ, ગુજરાતમાં પણ આગાહી

ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા જાહેર કરવામાં આવી

Courtesy: Twitter

Share:

Tamil Nadu: ભારે વરસાદના કારણે તમિલનાડુ (Tamil Nadu)ની રાજધાની ચેન્નાઈની તમામ શાળાઓમાં 25 નવેમ્બરના રોજ જિલ્લા કલેક્ટર દ્વારા રજાની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય હવામાન વિભાગે તમિલનાડુ અને પુડુચેરીમાં 3 કલાક માટે તોફાનની ચેતવણી પણ જાહેર કરી હતી. 


Tamil Naduમાં કમોસમી વરસાદ

દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં છેલ્લા અનેક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આ દરમિયાન ભારે વરસાદના કારણે ચેન્નાઈની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ચેન્નાઈમાં સતત વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે તમામ શાળાઓને બંધ કરી દેવામાં આવી છે. હાલ હવામાન વિભાગે વરસાદથી રાહત મળવાની કોઈ શક્યતા વ્યક્ત નથી કરી.

હવામાન વિભાગે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ પ્રદેશમાં એક-બે સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તમિલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલી અને તેનકાસી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. રામનાથપુરમ, થુથુકુડી, થેની, ડીંડીગુલ, પુડુક્કોટ્ટાઈ, તંજાવુર, તિરુવરુર, નાગપટ્ટિનમ અને માયલાદુથુરાઈ જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

ગત અઠવાડિયે પણ શાળાઓ બંધ રહી હતી

તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે ચેન્નાઈ અને તમિલનાડુ (Tamil Nadu)ના અન્ય ભાગોમાં શાળાઓ બંધ કરવામાં આવી હતી, કારણ કે તમિલનાડુના ઘણા ભાગોમાં મૂશળધાર વરસાદ પડ્યો હતો. તમિલનાડુમાં ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં સમગ્ર રાજ્યના લોકો વરસાદથી પરેશાન છે. 

રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે જણાવ્યું કે દરિયામાં વાદળો બની રહ્યા છે. પરંતુ જેમ જેમ તડકો આવશે તેમ વરસાદ ઓછો થશે. અદ્યાર વિસ્તારમાં સૌથી વધુ 80 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે અન્ના નગર-નુંગમ્બક્કમ પટ્ટાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થયો છે.


ગુજરાતમાં પણ વરસાદની આગાહી

ગુજરાતમાં શિયાળાની શરૂઆત પહેલાં જ ફરી ચોમાસા જેવો માહોલ સર્જાવાની શક્યતા છે. હવામાન વિભાગે આવનારા 3થી 4 દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા છે.

જ્યારે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારત પર આવશે. 25 નવેમ્બરની આસપાસ આ સિસ્ટમની ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા બીજા કેટલાક વિસ્તારોમાં અસર શરૂ થાય તેવી શક્યતા છે.