UP: હાથરસમાં 'રામ રામ'નો જવાબ ન આપ્યો તો ટીચરને નોકરીમાંથી કાઢી મૂક્યા

Ram Ram: હાથરસની એક સ્કૂલમાં એક ટીચરને કાઢી મૂકવામાં આવ્યા હતા. લઘુમતી સમુદાયમાંથી આવતા આ ટીચરને એક વિદ્યાર્થીએ રામ રામ કહ્યું હતું. તો ટીચરે વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • રામ રામનો જવાબ ન આપ્યો, ટીચરને કાઢી મૂક્યો
  • લઘુમતી સમુદાયના ટીચરને સ્કૂલે કાઢી મૂક્યો
  • હિંદુ સંગઠને સ્કૂલ બહાર વિરોધ પ્રદર્શન કર્યા

હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસમાંથી લઘુમતી સમુદાયના એક ટીચરને રામ રામનો જવાબ ન આપવા બદલ સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.વિદ્યાર્થીએ તેમને રામ રામ કહ્યા હતા, પરંતુ તેઓએ આનો જવાબ આપ્યો નહોતો. ઉત્તર પ્રદેશમાં ગઈ પાંચ ડિસેમ્બરના રોજ આ ઘટના બની હતી. ધોરણ -11માં ભણતા એક વિદ્યાર્થીએ ટીચર અદનાનને રામ રામ કહ્યા હતા. ત્યારે ટીચરે કથિત રીતે વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો. 

હનુમાન ચાલીસાના પાઠ કર્યા 
આ ઘટના બન્યા સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ હતી. આ વાત છેક હિંદુ સંગઠનો સુધી પહોંચી હતી. એ પછી સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં  વિરોધના ભાગ રુપે તેઓએ હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા હતા. એ પછી સ્કૂલના પ્રિન્સિપાલે ટીચર અદનાનને કાઢી મૂક્યા હતા. 

ટીચરને કાઢી મૂક્યો 
પ્રિન્સિપાલે જણાવ્યું કે, અમારી સ્કૂલમાં છેલ્લાં ત્રીસ વર્ષથી બધી જ કમ્યુનિટીના બાળકો અભ્યાસ કરે છે. અમારી સ્કૂલમાં પહેલાં ક્યારેય આવી ઘટના બની નથી. જો કે, અમે સ્કૂલમાંથી ટીચર અદનાન મોહમ્મદને કાઢી મૂક્યો છે. આ ઘટનાને લઈને વહીવટી વિભાગે એક કમિટીની રચના કરી છે, જે તપાસ કરશે. સાથે જ પ્રિન્સિપાલે ખાતરી આપી કે, ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એ માટે પગલાં લેવામાં આવશે.