સંસદમાં ઘુસીને હોબાળો મચાવનારા બંન્ને શખ્સોની ઓળખ થઈ... વાંચો વધુ વિગતો

આ બંન્ને શખ્સો પાસે આધાર કાર્ડ અને તે સિવાયની કેટલીક મહત્વની વસ્તુઓ મળી છે. પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • સાંસદ મનોજ કોટક અને મલુક નાગરે આ બંને યુવકોને પકડ્યા હતા
  • આવી જ એક ઘટના સંસદની બહાર ટ્રાન્સ્પોર્ટ ભવન નજીક થઇ હતી

આજે સંસદના સુરક્ષા ચક્રને વિંધીને બે શખ્સો સંસદમાં ઘુસી ગયા હતા. આ લોકોએ સાંસદો વચ્ચે જઈને હોબાળો મચાવ્યો હતો. આ બંન્ને શખ્સો ગેસનો નાનો બાટલો લઈને સાંસદોની વચ્ચે ફરવા લાગ્યા હતા અને ઉપસ્થિત સાંસદો પર પીળા રંગનો ગેસ છોડ્યો હતો. ત્યારે હવે આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે, અને બંન્ને શખ્સોની ઓળખ કરી લેવામાં આવી છે. આ બંન્ને શખ્સો પાસે આધાર કાર્ડ અને તે સિવાયની કેટલીક મહત્વની વસ્તુઓ મળી છે. 

આ બંન્નેની ઓળખ સાગર અને મનોરંજન તરીકે થઈ છે. સાગર ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રતાપ સિમ્હાના નામથી ઈશ્યુ થયેલા વિઝીટર પાસ દ્વારા સંસદ ભવનમાં દાખલ થયો હતો. તે એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે અને મૈસૂરનો રહેવાસી છે. તો મનોરંજન નામનો શખ્સ વ્યવસાયે એન્જિનિયર છે. આ બંન્ને શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે. આ લોકો સ્મોક કેન્ડલ શૂઝમાં છુપાવીને લાવ્યા હતા. જે સ્પ્રે કરવામાં આવ્યો હતો તેનાથી સુરક્ષકર્મીઓએ વિસ્ફોટકની ગંધ મહેસૂસ કરી હતી. 

આ સિવાય પોલીસ દ્વારા હરિયાણાના હિસારની રહેવાસી નિલમ અને મહારાષ્ટ્રના લાતૂર જિલ્લામાં રહેતા અમોલની પણ સંસદ ભવનની બહાર રંગીન ધૂમાડો ફેલાવીને પ્રદર્શન કરવા બદલ અટકાયત કરવામાં આવી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરક્ષા કર્મચારીઓને એક આધાર કાર્ડ મળ્યું છે અને તેમાં લખનઉનું એડ્રેસ છે. બહુજન સમાજ પાર્ટીના સાંસદ રામ શિરોમણીએ મિડીયાને આપેલી વિગતો અનુસાર, એક શખ્સ સંસદમાં ઘુસીને સાંસદોની વચ્ચે ધસી આવ્યો હતો. તેણે જવું જ એક કેન ખોલ્યું કે તરત જ આખા હોલમાં પીળો ધુમાડો ફેલાઈ ગયો હતો. 

સાંસદ મનોજ કોટક અને મલુક નાગરે આ બંને યુવકોને પકડ્યા હતા અને સુરક્ષા કર્મચારીઓના હવાલે કરી દિધા હતા. આ ઘટના વિશે જાણકારી આપતાં મલુક નાગરે કહ્યું કે શૂન્યકાળ વખતે આ બંને યુવકો કૂદીને આવ્યા હતા. બંનેના કૂદવાથી ધડામ દઈને અવાજ આવ્યો ત્યારે, મને લાગ્યું કે કોઈનો પગ લપસી ગયો છે. જેવા જ ઉપર જોયું તો બીજો શખ્સ પણ કૂદ્યો. ત્યારે લાગ્યું કે આ લોકોનો ઈરાદો સારો નથી. આવી જ એક ઘટના સંસદની બહાર ટ્રાન્સ્પોર્ટ ભવન નજીક થઇ હતી.