ધોરણ 9 અને 10માં ભણતા બે છોકરાઓએ 12 વર્ષની છોકરીનો રેપ કરીને વીડિયો ઉતાર્યો

દેશમાં સગીરાઓ-યુવતીઓ અને મહિલાઓ પર થતાં શારીરિક અત્યાચારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.

Share:

હાઈલાઇટ્સ

  • કર્ણાટકમાં 12 વર્ષની છોકરી સાથે બળાત્કાર
  • બે છોકરાઓએ રેપ કરીને વીડિયો બનાવ્યો

કાલબુરાગી: કલાબુરાગી જિલ્લાના કલગીમાં બે સગીર છોકરાઓએ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિની પર કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, 15 અને 16 વર્ષની વયના 9 અને 10માં ધોરણમાં ભણતા છોકરાઓએ 10 ડિસેમ્બરે 6ઠ્ઠા ધોરણમાં ભણતી 12 વર્ષની છોકરી પર બળાત્કાર કર્યો હતો. છોકરી તેમના સંબંધીના ઘરેથી શાળાએ ગઈ હતી. છોકરાઓને રિમાન્ડ હોમમાં મોકલી દેવાયા છે.

એવું કહેવાય છે કે છોકરીને ધમકી આપીને બળાત્કાર કરનારા છોકરાઓએ આ ઘટનાને પોતાના સેલ ફોનમાં રેકોર્ડ પણ કરી લીધી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટના 10 ડિસેમ્બરે બની હતી, પરંતુ 18 ડિસેમ્બરે જ FIR નોંધવામાં આવી હતી કારણ કે છોકરીના માતા-પિતા મુંબઈમાં મજૂરીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં દરરોજ સગીરા-યુવતી અને મહિલાઓ પર થતા અત્યાચારની અનેક ઘટનાઓ પોલીસ ચોંપડે નોંધાઈ રહી છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ કેટલાક ક્રિમિનલ લોમાં ફેરફાર કરતા કાયદા લોકસભામાં રજૂ કર્યા હતા જેને વિપક્ષ સાંસદોની ગેરહાજરીમાં પસાર કરવામાં આવ્યા છે. જેમાં રેપના કાયદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આવા કેસમાં આરોપીને મૃત્યુદંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. હવે આ કેસમાં સગીર આરોપીઓને શું સજા કરવામાં આવશે તે આગામી સમયમાં જોવાનું રહેશે.