Unseasonal Rainfall: પશ્ચિમી વિક્ષોભ, પૂર્વીય લહેરોના સંપર્કના કારણે વાતાવરણ પલટાયું

ઉત્તરાખંડ, પૂર્વીય એમપી અને એટલે સુધી કે, બિહારના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે

Courtesy: Twitter

Share:

Unseasonal Rainfall: છેલ્લા 2 દિવસ દરમિયાન પશ્ચિમ ભારતના અનેક ક્ષેત્રોમાં તીવ્ર કમોસમી વરસાદ (Unseasonal Rainfall), ગાજવીજ, વીજળી અને કરા પડવા પાછળ ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે છેલ્લા 2-3 દિવસથી ફૂંકાઈ રહેલા નિમ્ન સ્તરના પૂર્વીય પવન અને પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણરૂપ ગણાવ્યું હતું.

 

Unseasonal Rainfallની દેશભરમાં અસર

હવામાન વિભાગના મહાનિદેશક એમ મહાપાત્રાએ જણાવ્યું કે, ઉત્તર પૂર્વીય ચોમાસા અને સક્રિય પશ્ચિમી વિક્ષોભના કારણે પૂર્વીય લહેરો વચ્ચે પરસ્પર પ્રક્રિયા થઈ. આ કારણે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ, વાવાઝોડું, વીજળી અને કરા પડ્યા. હવામાન વિભાગ દ્વારા આશરે 5 દિવસ પહેલા જ ભારે વરસાદને લગતી ચેતવણી જાહેર કરવામાં આવી હતી. 

આ સાથે જ તેમણે ફેઝ લોક નબળું પડ્યું હોવાથી હવે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે તેવી આશા વ્યક્ત કરી હતી. જોકે ઉત્તરાખંડ, પૂર્વીય એમપી અને એટલે સુધી કે, બિહારના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. 


 

ગુજરાતમાં હજુ કેટલા દિવસ વરસાદ પડશે?

રાજ્યમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ (Unseasonal Rainfall) વરસી રહ્યો છે.  રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ  આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે ગુજરાતના અમુક જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. 

હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે છોટા ઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  

 

તાપમાનમાં 4-5 ડિગ્રીનો ઘટાડો થશે

હવામાન વિભાગના મતે કમોસમી વરસાદને લઈ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ઘમરોળી નાંખ્યું હતું. રવિવારે રાજ્યનાં 220 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં 44 તાલુકાઓમાં તો એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. લોધિકામાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી સહિત તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભાભર અને રાધનપુરમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદ (Unseasonal Rainfall)થી ખેતરમાં રહેલા શિયાળુ પાકને નુકસાનની ભીતી સેવાઈ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં કપાસ, ઘઉં, મગફળી જેવા પાકનું વાવેતર થયેલું છે. જ્યાં વરસાદ વરસતા ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની આશંકા છે. વરસાદના કારણે ભર શિયાળે ખેડૂતોનાં ખેતરમાં પાણી ભરાયા છે.