Uttarakhand Tunnel Collapse: 52 મીટરનું હોરિઝોન્ટલ ડ્રિલિંગ પૂરૂ, PMOની ટીમ પણ પહોંચી

વડાપ્રધાન મોદીએ સોમવારે સાંજે દેશવાસીઓને ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા મજૂરો માટે પ્રાર્થના કરવાની અપીલ કરી

Courtesy: Twitter

Share:

Uttarakhand Tunnel Collapse: ઉત્તરકાશીમાં સિલ્ક્યારા સુરંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધ સ્તરે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સમગ્ર ઓપરેશનની સમીક્ષા કરવા માટે સોમવારે વડાપ્રધાન મોદીના મુખ્ય સચિવ ડૉ. પીકે મિશ્રા, ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, ઉત્તરાખંડના મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધૂ અને અન્ય કેટલાક સીનિયર અધિકારીઓ ઉત્તરાખંડમાં ટનલ દુર્ઘટના (Uttarakhand Tunnel Collapse) સ્થળે હાજર રહ્યા હતા. આ વાતની માહિતી ઉત્તરાખંડ સરકારના સચિવ નીરજ ખૈરવાલે આપી હતી. 

ગત 12 નવેમ્બરથી ઉત્તરાખંડની સિલ્ક્યારા-ડંડલગામ ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવાના પ્રયત્નો ઝડપી કરી દેવાયા છે. વર્ટિકલ અને હોરિઝોન્ટલ ડ્રિલિંગ એકસાથે કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોના મતે અત્યાર સુધી સારા પરિણામો મળ્યા છે અને જો બધુ બરાબર રહ્યું તો આગામી 24 કલાકમાં સારા સમાચાર મળી શકે છે. 


Uttarakhand Tunnel Collapse: રેસ્ક્યુમાં હવામાન વિલન બની શકે

દરમિયાન વડાપ્રધાન મોદીએ સોમવારે સાંજે દેશવાસીઓને ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા મજૂરો માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું હતું કે, મંગળવાર સવાર સુધી 52 મીટર સુધી ખોદકામ કરવામાં આવ્યું છે. હવે ફસાયેલા કામદારોથી 7 થી 8 મીટરનું અંતર બાકી છે.

બીજી તરફ હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ઉત્તરાખંડમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવામાનમાં ફેરફારના કારણે રેસ્ક્યુમાં મુશ્કેલીઓ પડી શકે છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સદસ્ય લે.જન. સૈયદ અતા હસનૈનના કહેવા પ્રમાણે ટનલમાં ફસાયેલા કામદારોના મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી રહ્યા છે. પરિવાર સાથે તેમની વાત કરાવવામાં આવી રહી છે. સુરક્ષા પર વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. જરૂરિયાત મુજબ નવા મશીનો પણ લવાઈ રહ્યા છે.


રેટ માઈનર્સ પર મેન્યુઅલ ડ્રિલિંગની જવાબદારી

દિલ્હીનો રહેવાસી મુન્ના તેના સાથી રેટ માઈનર્સ સાથે સિલ્ક્યારા ટનલ સાઈટ પર પહોંચી ગયો છે. આ કામદારો રોકવેલ કંપનીમાં કામ કરે છે. આ લોકો મેન્યુઅલ ડ્રિલિંગમાં નિષ્ણાત કામદારો છે. તેઓ 2-2ના જૂથોમાં ઉત્તરાખંડમાં ટનલ દુર્ઘટના (Uttarakhand Tunnel Collapse) સ્થળે પેસેજમાં જશે અને બાકીનું 12 મીટરનું આડુ ડ્રિલિંગ હાથેથી કરશે. મુન્નાના કહેવા પ્રમાણે તેઓ સૌ ટનલની અંદર ડ્રિલિંગ માટે તૈયાર છે.

પાતળી એવી પાઈપની અંદર જઈને ડ્રિલિંગ કરતા વર્કરોને રેટ માઈનર્સ કહેવામાં આવે છે. આ રીતે ડ્રિલિંગ માટે ખાસ ટ્રેનિંગ, સ્કિલ અને ઘણી પ્રેક્ટિસની જરૂર પડે છે. આ રેટ માઈનર્સ 800 એમએમની પાઈપમાં પ્રવેશ કરશે અને ડ્રિલિંગ કરશે. ટનલની અંદર ફસાયેલા 41 મજૂરો પર નજર રાખવા માટે રોબોટિક્સની મદદ લેવામાં આવી રહી છે. આ માટે લખનઉથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સ ડેવલપર મિલિંદ રાજને બોલાવવામાં આવ્યા છે.