Uttarakhand Tunnel Collapse: રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ માટે ગુજરાતથી પહોંચાડાયું હેવી ડ્રિલિંગ મશીન

મશીનના કેટલાક હિસ્સાઓને ટ્રેન દ્વારા અને તેના સૌથી ભારે હિસ્સાને અર્થ મૂવર વાહન દ્વારા પહોંચાડાયો

Courtesy: Image: Twitter

Share:

 

Uttarakhand Tunnel Collapse: ઉત્તરાખંડમાં નિર્માણાધીન ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે છેલ્લા 12 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ માટે ગુજરાતથી એક હેવી ડ્રિલિંગ મશીનને ઉત્તરકાશીની સિલ્કયારા ટનલ ખાતે મોકલવામાં આવ્યું છે. 

 

ઉત્તરાખંડમાં ટનલ તૂટી પડ્યા (Uttarakhand Tunnel Collapse) બાદ વલસાડમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની સાઈટ પર કાર્યરત હેવી ડ્રિલિંગ મશીનને મજૂરોના બચાવ કાર્ય માટે પહોંચાડવામાં આવ્યું છે. 

Uttarakhand Tunnel Collapseના 12 ગોઝારા દિવસો

ગત 12 નવેમ્બરના રોજ ઉત્તરકાશીમાં ચાર ધામ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલી સિલ્ક્યારા ટનલમાં ભૂસ્ખલન બાદ મોટી દુર્ઘટના થઈ હતી. ભૂસ્ખલનના કારણે નિર્માણાધીન ટનલ પર ખૂબ બધો કાટમાળ પડ્યો હતો. 

 

આ કારણે અંદર કામ કરી રહેલા 41 મજૂરો ફસાઈ ગયા હતા અને ત્યારથી બચાવ કામગીરી ચાલી રહી છે. હાલમાં આ બચાવ કામગીરી તેના અંતિમ તબક્કાએ પહોંચી છે અને ગણતરીના કલાકોમાં જ મહત્વનું ઓપરેશન પાર પાડવામાં આવશે.

 

એક તરફ સમગ્ર દેશ દિવાળીની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે બીજી બાજુ બ્રહ્મખાલ-યમુનોત્રી હાઈવે પર નિર્માણાધીન સિલ્કયાર-દંડલગાંવ ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ કારણે ત્યાં કામ કરી રહેલા 41 મજૂરો ફસાઈ ગયા હતા અને જિલ્લા પ્રશાસને બચાવ કામગીરી શરૂ કરી હતી. 

 

એર કોમ્પ્રેસ્ડ પાઈપ દ્વારા ટનલમાં ફસાયેલા મજૂરોને ઓક્સિજન, વીજળી, ખોરાક અને દવાઓ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાર બાદ NDRF, SDRF, BRO, પ્રોજેક્ટ સંબંધિત એજન્સી NHIDCL અને ITBP સહિત ઘણી એજન્સીઓ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. 

ગુજરાતથી ઉત્તરાખંડ પહોંચ્યુ મશીન

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHCRCL)ના પ્રવક્તા સુષ્મા ગૌરે જણાવ્યું હતું કે, લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડની માલિકીનું ડ્રિલિંગ મશીન બુધવારે ઉત્તરાખંડમાં ટનલ તૂટી પડી (Uttarakhand Tunnel Collapse) તે સ્થળે મોકલવામાં આવ્યું હતું.

 

આ મશીનનો ઉપયોગ વલસાડના ઉમરગામ તાલુકાના ઝાલોરી ગામમાં એક ટેકરીમાં ટનલ બનાવવા માટે કરવામાં આવતો હતો. કામ પૂરું થઈ ગયું હતું અને મશીન નિષ્ક્રિય પડેલું હતું ત્યારે રેલ કોર્પોરેશનની ટીમોએ વલસાડ પોલીસ સાથે સંકલન કરી મશીન ઉત્તરાખંડ પહોંચાડવા કામગીરી હાથ ધરી હતી. 

 

NHCRCLના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પિલિંગ આરઆઈજી (સેની 445-ઈ10) નામનું આ મશીન 20,355 મીમી લાંબુ અને 3,057 મીમી ઉંચુ છે. આટલું વિશાળ મશીન વહન કરવું મુશ્કેલ હોવાથી તેના કેટલાક ભાગોને તોડીને વલસાડ રેલવે સ્ટેશન પર મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી સ્પેશિયલ ટ્રેન આ ભાગોને ઉત્તરાખંડ લઈ ગઈ હતી. જ્યારે મશીનનો મુખ્ય ભાગ ખૂબ ભારે હતો અને તેને ટ્રેનમાં મોકલવો શક્ય નહોતો આથી તેના માટે અર્થ મૂવર વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી.