Uttarakhand Tunnel Collapse: બરફવર્ષાની આગાહી વચ્ચે રેસ્ક્યુમાં અનેક પડકાર

ઓગર મશીનને કાપીને બહાર કાઢવા પ્લાઝમા મશીન કામ કરી રહ્યું છે અને ત્યાર બાદ મેન્યુઅલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવશે

Courtesy: Twitter

Share:

Uttarakhand Tunnel Collapse: છેલ્લા 15 દિવસથી ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં 41 કામદારો ફસાયા છે જેમને કાઢવા માટે પૂરજોશથી રેસ્ક્યુ ચાલી રહ્યું છે. ઉત્તરાખંડ ટનલ તૂટી પડ્યા (Uttarakhand Tunnel Collapse) બાદ મજૂરો જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. જોકે આ ટનલમાં ફસાયેલા મજૂરોને આશા છે કે, તેઓ ચોક્કસપણે સૂર્યપ્રકાશ જોઈ શકશે, પરંતુ આ ક્યારે શક્ય બનશે તે હજુ કહી શકાય તેમ નથી. 

આ માટે સરકાર અને બચાવ દળ દ્વારા કામદારોને બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમને અનેક અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે હજી પણ સરકાર અને બચાવ દળ મજૂરોને બચાવવા કવાયતમાં લાગ્યા છે. ઉત્તરકાશી ટનલમાં છેલ્લા બે સપ્તાહથી ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવામાં સતત વિલંબ થઈ રહ્યો છે. 

છેલ્લા 48 કલાકમાં ઉત્તરકાશી ટનલમાં ડ્રિલિંગના કામમાં કોઈ પ્રગતિ થઈ નથી કારણ કે ઓગર મશીન કામ કરવાનું બંધ કરી દીધું છે. બચાવ કામગીરીમાં લાગેલા અમેરિકાથી આવેલા ઓગર મશીનની બ્લેડ અચાનક કાટમાળમાં ફસાઈ ગઈ હતી. જેના કારણે હવે આ મશીને કામ કરવાનું બંધ કરી દીધું છે. મજૂરોથી માત્ર 10 મીટર દૂર અમેરિકન ઓગર મશીન તૂટી જવાને કારણે શુક્રવારથી રેસ્ક્યૂ ઓપરેશન અટકી ગયું છે.

Uttarakhand Tunnel Collapse દેશભરમાં ખળભળાટ

ગત 12 નવેમ્બરના રોજ દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણીનો માહોલ છવાયો હતો ત્યારે ઉત્તરકાશીમાં ચાર ધામ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલી સિલ્ક્યારા ટનલમાં ભૂસ્ખલન બાદ મોટી દુર્ઘટના થઈ હતી. ભૂસ્ખલનના કારણે નિર્માણાધીન ટનલ પર ખૂબ બધો કાટમાળ પડ્યો હતો અને ત્યાં કામ કરી રહેલા 41 કામદારો ફસાઈ ગયા હતા. 

ઓગર મશીનમાંથી તૂટેલા ભાગને દૂર કર્યા પછી, મેન્યુઅલ ડ્રિલિંગ શરૂ થશે. જો કે તેમાં કેટલો સમય લાગશે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી. ઓગર મશીનને કાપીને બહાર કાઢવા માટે હૈદરાબાદથી મગાવાયેલું પ્લાઝમા મશીન કામ કરી રહ્યું છે અને ત્યાર બાદ મેન્યુઅલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવશે. 

આ તરફ ભારતીય હવામાન વિભાગે ઉત્તરાખંડ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, સોમવારે ભારે વરસાદની સાથે હિમવર્ષા થવાની સંભાવના છે. કામદારોના પરિવારના સભ્યો ત્યાંથી તેમના સુરક્ષિત નિકાલ માટે પ્રાર્થના કરી રહ્યા છે. કામદારોના સંબંધીઓને આશા છે કે સિલ્ક્યારા ટનલની અંદર રહેલા તમામ કામદારોને જલ્દીથી બહાર કાઢવામાં આવશે. જોકે અંદર ફસાયેલા કામદારોની ધીરજ તૂટી રહી છે અને અમુક કામદારો બીમાર પડી ગયા છે અને તેમણે ખાવાનું પણ બંધ કરી દીધું છે.