Uttarakhand Tunnel Collapse: રેસ્ક્યુ ટીમ ફસાયેલા કામદારોથી માત્ર 5-6 મીટર જ દૂર

હવે મજૂરોને બચાવવા માટે રેટ હોલ માઈનિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

Courtesy: Twitter

Share:

Uttarakhand Tunnel Collapse: ઉત્તરાખંડમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત રીતે બચાવવા માટે મેન્યુઅલ ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે. ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના (Uttarakhand Tunnel Collapse)માં કામદારોને બચાવવા માટે માટે રેટ માઈનર્સ ટનલમાં પ્રવેશ્યા છે. આ ઉપરાંત પાઈપલાઈન અંદર નાખવા માટે ઓગર મશીનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ટનલની અંદર મેન્યુઅલ ડ્રિલિંગનો પહેલો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.


Uttarakhand Tunnel Collapseમાં સારા સમાચારની આશા

ઉત્તરકાશી સુરંગ દુર્ઘટનામાં હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે. જોકે હવે રેસ્ક્યુ ટીમ ફસાયેલા કામદારોથી માત્ર 5-6 મીટર જ દૂર છે. ટનલની અંદર મેન્યુઅલ ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે અને પાઈપને અંદર ધકેલવા માટે ઓગર મશીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 3 મીટર મેન્યુઅલ ડ્રિલિંગનું કામ પૂર્ણ થયું છે. સામે આવેલા વીડિયોમાં ટનલની અંદરની પરિસ્થિતિ અને કેવો હોલ બનાવવામાં આવે છે તે બતાવવામાં આવ્યું છે. આમ હવે ગણતરીના કલાકોમાં જ સારા સમાચાર મળશે તેવી આશા વધુ તીવ્ર બની છે. 


12 નવેમ્બરથી ફસાયા છે કામદારો

સિલ્ક્યારા ટનલમાં રેસ્ક્યુ ઓપરેશનનો મંગળવારે 17મો દિવસ છે. કામદારોને બહાર કાઢવા માટે ટનલની અંદર મેન્યુઅલ ડ્રિલિંગનું કામ ચાલી રહ્યું છે. બચાવ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે ટનલની અંદર પાઈપલાઈન નાખવા માટે 57 મીટર સુધી ખોદકામ કરવું પડશે. બચાવ કાર્યકરોએ ઓગર મશીનનો ઉપયોગ કરીને લગભગ 47 મીટર ડ્રિલિંગ પૂર્ણ કરી લીધું છે, જ્યારે સોમવારે રાત્રે 3 મીટર મેન્યુઅલ ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. કુલ મળીને 50 મીટરનું કામ થઈ ગયું છે અને હવે માત્ર 5 થી 6 મીટરનું ડ્રિલિંગ બાકી છે.

અમેરિકાથી આવેલું ઓગર મશીન કાટમાળમાં ફસાઈ જવાથી ડ્રિલિંગનું કામ બંધ થઈ ગયું હતું. બાદમાં હૈદરાબાદથી આવેલા પ્લાઝમા મશીને ઓગર મશીનના બ્લેડ કાપીને બહાર કાઢ્યા હતા. હવે મજૂરોને બચાવવા માટે રેટ હોલ માઈનિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


રેટ માઈનર્સ પર મેન્યુઅલ ડ્રિલિંગની જવાબદારી

દિલ્હીનો રહેવાસી મુન્ના તેના સાથી રેટ માઈનર્સ સાથે સિલ્ક્યારા ટનલ સાઈટ પર પહોંચી ગયો છે. આ કામદારો રોકવેલ કંપનીમાં કામ કરે છે. આ લોકો મેન્યુઅલ ડ્રિલિંગમાં નિષ્ણાત કામદારો છે. તેઓ 2-2ના જૂથોમાં ઉત્તરાખંડમાં ટનલ દુર્ઘટના (Uttarakhand Tunnel Collapse) સ્થળે પેસેજમાં હાથ વડે ડ્રિલિંગ કરી રહ્યા છે. 

પાતળી એવી પાઈપની અંદર જઈને ડ્રિલિંગ કરતા વર્કરોને રેટ માઈનર્સ કહેવામાં આવે છે. આ રીતે ડ્રિલિંગ માટે ખાસ ટ્રેનિંગ, સ્કિલ અને ઘણી પ્રેક્ટિસની જરૂર પડે છે. આ રેટ માઈનર્સ 800 એમએમની પાઈપમાં પ્રવેશ કરી ડ્રિલિંગ કરી રહ્યા છે. ટનલની અંદર ફસાયેલા 41 મજૂરો પર નજર રાખવા માટે રોબોટિક્સની મદદ લેવામાં આવી રહી છે.