Uttarakhand Tunnel Collapse: કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા 6 પ્લાન પર ચાલી રહ્યું છે કામ

સુરંગના બારકોટ છેડાથી બ્લાસ્ટ ટેક્નિકનો ઉપયોગ કરીને 483 મીટર લાંબી બચાવ સુરંગ બનાવવાની પણ યોજના

Courtesy: Twitter

Share:

 

Uttarakhand Tunnel Collapse: ગત 12મી નવેમ્બરથી ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે ઓપરેશન ચાલુ છે. ઉત્તરાખંડમાં ટનલ ભાંગી પડતા (Uttarakhand Tunnel Collapse) ફસાયેલા મજૂરોને બચાવવાનું કામ હવે ત્રીજા સપ્તાહમાં પહોંચ્યું છે અને રવિવારે સુરંગની ઉપરથી સીધું નીચે વર્ટિકલ ડ્રિલિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

એક તરફ અમેરિકામાં બનેલા ઓગર ડ્રિલિંગ મશીનના તૂટેલા હિસ્સાનું સમારકામ ચાલી રહ્યું છે ત્યારે સાથે જ હાથથી એટલે કે મેન્યુઅલ ખોદકામ માટે પણ પ્રયત્નો ચાલુ છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સદસ્ય લેફ્ટિનેન્ટ જનરલ (રિટાયર) સૈયદ અતા હસનૈનના કહેવા પ્રમાણે કામદારોને બચાવવા માટે 6 યોજનાઓ તૈયાર છે. 


Uttarakhand Tunnel Collapse બાદ 6 યોજનાઓ પર કામ

એનડીએમએના સદસ્ય સૈયદ અતા હસનૈનના કહેવા પ્રમાણે રવિવારે શરૂ કરવામાં આવેલું વર્ટિકલ ડ્રિલિંગ બીજો સૌથી સારો વિકલ્પ છે. પહાડથી સીધા 86 મીટર નીચે ડ્રિલિંગ બાદ સુરંગની પરત તોડવી પડશે જેથી ફસાયેલા મજૂરોને બહાર કાઢી શકાય. ઉપરાંત બચાવ કામગીરી માટે સુરંગની બાજુમાં સાઈડવેજ ડ્રિલિંગના અન્ય વિકલ્પ પર પણ વિચારણા ચાલુ છે. જોકે એ માટેના મશીનો હજુ ઘટના સ્થળે નથી પહોંચ્યા. 


ડ્રિફ્ટ ટેક્નોલોજી

હસનૈને જણાવ્યું હતું કે, જો અન્ય વિકલ્પ કામ નહીં કરે તો બચાવની અન્ય એક રીત ડ્રિફ્ટ ટેક્નોલોજીને અપનાવી શકાય. આ માટે પાઈપને સ્થિર રાખવી પડશે. ડ્રિલિંગ મશીનના તૂટેલા હિસ્સાઓ દૂર કરી કિનારા પર ડ્રિફ્ટ શરૂ કરવાની તૈયારી કરવી પડશે. બાદમાં ઉપરથી નીચે સુધી ડ્રિલિંગની તૈયારી કરવી પડશે. 


બારકોટ તરફથી બચાવ સુરંગ

સુરંગના બારકોટ છેડાથી બ્લાસ્ટ ટેક્નિકનો ઉપયોગ કરીને 483 મીટર લાંબી બચાવ સુરંગ બનાવાશે. આ માટે 5મો વિસ્ફોટ કરી દેવાયો છે અને વધુ 10-12 મીટર અંદર સુધી જગ્યા બનાવાઈ છે. 


બરકોટ તરફથી સીધું નીચે ડ્રિલિંગ

ઉત્તરાખંડમાં ટનલ ભાંગી પડતા (Uttarakhand Tunnel Collapse) ફસાયેલા કામદારોને બચાવવા સુરંગના બારકોટ છેડાથી નીચે સીધું વર્ટિકલ ડ્રિલિંગ કરવાની પણ યોજના છે જેને ઓએનજીસી દ્વારા હેન્ડલ કરવામાં આવશે. હસનૈને જણાવ્યું કે, બરકોટ તરફથી 24 ઈંચનું ડ્રિલિંગ કરાશે. આ માટે 5 કિમી લાંબા રસ્તાની જરૂર છે અને તેનું નિર્માણ બીઆરઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 


સીધું ડ્રિલિંગ શ્રેષ્ઠ વિકલ્પ

એનડીએમએના સદસ્ય લેફ્ટિનેન્ટ જનરલ સૈયદ અતા હસનૈને સામેની બાજુ અને સીધા ડ્રિલિંગને અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો હતો. તેના અંતર્ગત 47 મીટરનું ડ્રિલિંગ પૂર્ણ થઈ ચુક્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, બરમા મશીનના તૂટેલા હિસ્સાઓને કાઢવાનું કામ ચાલુ છે. આ માટે મેગ્ના અને પ્લાઝ્મા કટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.