Vadodara: She ટીમની વાનમાં પોલીસ જવાનો દારૂ પીતા પકડાયા! જાગૃત નાગરિકે પોલીસની ખોલી પોલ

પોલીસને એક જાગૃત નાગરિક દ્વારા દારૂની મહેફિલ અંગે જાણ કરાઇ હતી. તેમણે જણાવ્યુ હતુ કે, મુજમહુડા હનુમાનજી મંદિર પાસે એક પોલીસ વાનમાં દારૂની મહેફિલ ચાલી છે. વાનના નંબરને આધારે તપાસ કરતા આ વાન જેપી રોડ સી ટીમ માટે ફાળવવામાં આવી હોવાની વિગતો જાણવા મળી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • મુજમહુડા વિસ્તારમાં શી ટીમની પોલીસ વેનમાં શરાબની મેહફીલ ચાલી રહી હતી
  • આ કેસમાં જમાદાર સહિત ત્રણ લોકો રંગે હાથ ઝડપાઈ ગયા હતા

આમતો એવું કહેવાય છે કે ગાંધીનગરના Gift City ને બાદ કરતા ગુજરાતમાં અન્ય તમામ જગ્યાએ દારુબંધી છે. જો કે, ગુજરાતમાં દારૂબંધીનું કેટલું પાલન થાય છે એ બધા લોકો જાણે છે. વારંવાર એવા કિસ્સાઓ સામે આવે છે કે, જે સાબિતી આપે છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી છે. સામાન્ય લોકો દારુ વેચતા કે પીતા ઝડપાય તો તેના પર કાર્યવાહી થાય છે અને થવી જ જોઈએ. પણ જ્યારે પોલીસ જવાન જ દારુ પીતા પકડાય તો? વાડ જ્યારે ચીભડા ગળી જાય તો ઠપકો કોને દેવો એવો ઘાટ ઘડાય. 

આવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. શહેરમાં પોલીસ કર્મચારીઓએ જ દારૂબંધીના લીરેલીરા ઉડાવ્યા છે. શહેરના મુજમહુડા વિસ્તારમાં શી ટીમની પોલીસ વેનમાં શરાબની મેહફીલ ચાલી રહી હતી. એક જાગૃત નાગરિક દ્વારા પોલીસ વાનમાં દારૂની મહેફીલની જાણ કરાઇ હતી. આ કેસમાં જમાદાર સહિત ત્રણ લોકો રંગે હાથ ઝડપાઈ ગયા હતા. આ મહેફીલ માણતા કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા, માલવ કહાર અને સાકિર મણિયારની અટકાયત કરવામાં આવી છે.

પોલીસને એક જાગૃત નાગરિક દ્વારા દારૂની મહેફિલ અંગે જાણ કરાઇ હતી. તેમણે જણાવ્યુ હતુ કે, મુજમહુડા હનુમાનજી મંદિર પાસે એક પોલીસ વાનમાં દારૂની મહેફિલ ચાલી છે. વાનના નંબરને આધારે તપાસ કરતા આ વાન જેપી રોડ સી ટીમ માટે ફાળવવામાં આવી હોવાની વિગતો જાણવા મળી હતી.

પોલીસે આ અંગેની જાણ થતાની સાથે સી ટીમ માટે ફાળવેલી વાનને તાત્કાલિક પોલીસ સ્ટેશનને બોલાવાઈ હતી. જેથી અંદર બેઠેલા જમાદાર હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ દશરથસિંહ સરવૈયા તેમજ તેની સાથે માનવ પુરુષોત્તમ કહાર અને સાકીર કાદરભાઈ મણિયારની તપાસ કરતા ત્રણેય જણા પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યુ હતુ. જેથી તેઓની સામે ગુનો નોધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.